યુનિ.ના વીસી તેમજ ફાર્મસીના અધ્યાપકની પેટન્ટ ઓફિસના સાયન્ટિફિક એડવાઈઝર તરીકે નિમણૂક
વડોદરાઃ ભારત સરકારની ઓફિસ ઓફ ધ કન્ટ્રોલર જનરલ પેટન્ટસ, ડિઝાઈન એન્ડ ટ્રેડ માર્ક દ્વારા એમ.એસ.યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો.બી એમ ભણગે તેમજ ફાર્મસી ફેકલ્ટીના અધ્યાપક ડો.પ્રશાંત મુરુમકરની બાયોટેકનોલોજી, બાયો કેમેસ્ટ્રી, માઈક્રોબાયોલોજી અને ફૂડ ટેકનોલોજીના ક્ષેત્રમાં સાયન્ટિફિક એડવાઈઝર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
આ ગુ્રપમાં ભારતમાંથી કુલ ૨૧ નિષ્ણાતોની એડવાઈઝર તરીકે પસંદગી કરવામાં આવી છે અને તેમાં એમ.એસ.યુનિવર્સિટીને પણ પ્રતિનિધિત્વ મળ્યું છે.
સરકારની પેટન્ટ ઓફિસ સમક્ષ દર વર્ષે પેટન્ટ મેળવવા માટે હજારો અરજીઓ થતી હોય છે.ઘણી પેટન્ટ અરજીઓ જટિલ અને ટેકનિકલ અભિપ્રાય માંગી લેતી હોય છે.જેને ધ્યાનમાં રાખીને પેટન્ટ ઓફિસ વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોની એડવાઈઝર તરીકે નિમણૂક કરે છે.આ વખતે એમ.એસ.યુનિવર્સિટીના વાઈસ ચાન્સલેર પ્રો.ભણગે અને ફાર્મસીના અધ્યાપક ડો.મુરુમકરનો પણ એડવાઈઝરની પેનલમાં સમાવેશ થયો છે.ડો.મુરુમકરના ૬૦ જેટલા રિસર્ચ પેપર તેમજ ૩ પુસ્તકો પ્રકાશિત થઈ ચૂકયા છે.ટીબી, કેન્સર, મેલેરિયા અને ઓબેસિટી માટેની દવાના સંશોધન માટે તેમની પાસે ૧૦ પેટન્ટ પણ છે.