એમ.એસ.યુનિ.માં ભણતા બાંગ્લાદેશી વિદ્યાર્થીઓને લગતી માહિતીની ચકાસણી
વડોદરાઃ ગુજરાતમાં ઠેર ઠેર બાંગ્લાદેશી ઘૂસણખોરો પર પોલીસની તવાઈ છે. શંકાસ્પદ લોકોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને જરુર પડે તો તેમને ડિટેઈન પણ કરાઈ રહ્યા છે.
આ કાર્યવાહીની વચ્ચે એમ.એસ.યુનિવર્સિટી દ્વારા પણ વિદેશી વિદ્યાર્થીઓના દસ્તાવેજોની ચકાસણી હાથ ધરાઈ છે.મળતી વિગતો પ્રમાણે યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં હાલમાં ૮૪ જેટલા બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને યુનિવર્સિટીની ઓફિસ ઓફ ઈન્ટરનેશનલ અફેર્સ દ્વારા વિદ્યાર્થીઓ દ્વારા અપાયેલી જાણકારીની ચકાસણી કરી છે.
ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર અને ઓફિસ ઓફ ઈન્ટરનેશનલ અફેર્સના ડાયરેકટર પ્રો.ધનેશ પટેલે કહ્યું હતું કે, યુનિવર્સિટીમાં લગભગ ૫૦ દેશોના ૫૦૦ કરતા વધારે વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.આ પૈકી ૮૪ જેટલા વિદ્યાર્થીઓ બાંગ્લાદેશના છે.તેમના પાસપોર્ટ, વિઝા સહિતનો તમામ રેકોર્ડ અમારી પાસે હોય છે.તેઓ વડોદરામાં હોસ્ટેલમાં કે પછી હોસ્ટેલની બહાર ક્યાં રહે છે તેની પણ જાણકારી અમારી પાસે છે.અત્યારે મોટાભાગના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે અને તેમણે આપેલી તમામ જાણકારી બરાબર અને સંતોષજનક છે.
ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટી દ્વારા ઈન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ દ્વારા કરાયેલી ભલામણના આધારે વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ અપાય છે.અત્યારે યુનિવર્સિટીમાં સૌથી વધારે વિદેશી વિદ્યાર્થીઓ બાંગ્લાદેશના જ છે.