Get The App

વડોદરાની MS યુનિ.ના સંશોધકોએ ડેન્ગ્યુ, મલેરિયા ફેલાવતા મચ્છરોને દૂર રાખતું કાપડ વિકસાવ્યું

Updated: Nov 29th, 2025

GS TEAM

Google News
Google News
વડોદરાની MS યુનિ.ના સંશોધકોએ ડેન્ગ્યુ, મલેરિયા ફેલાવતા મચ્છરોને દૂર રાખતું કાપડ વિકસાવ્યું 1 - image

MSU Vadodara: આરોગ્ય અને ટેક્સટાઇલ ટેક્નોલોજીના ક્ષેત્રમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરતાં વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU)ના સંશોધકોએ મચ્છરોને દૂર રાખતું એક અનોખું અને ઈકો-ફ્રેન્ડલી કાપડ વિકસાવ્યું છે. ટેકનોલોજી ફેકલ્ટીના ટેક્સટાઈલ કેમેસ્ટ્રી વિભાગે આ કાપડ બનાવવા માટે લીલી ચા, લીમડો અને તુલસી જેવા કુદરતી અર્કનો ઉપયોગ કર્યો છે.

કુદરતી અર્કનું કોટિંગ અને બેક્ટેરિયાનો નાશ

ડો. ભરત પટેલના નેતૃત્વ હેઠળની સંશોધક ટીમ (જેમાં ડો. દેવાંગ પંચાલ અને વિદ્યાર્થી જયંત પાટીલનો સમાવેશ થાય છે) દ્વારા આ અર્કનું મિશ્રણ કોટન કાપડ પર વિશેષ પ્રક્રિયા દ્વારા કોટ કરવામાં આવ્યું છે. ડો. ભરત પટેલે જણાવ્યું કે, 'કુદરતી અર્કમાં રહેલા ગુણધર્મોના કારણે ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયા જેવી બીમારીઓ ફેલાવતા મચ્છરો તેનાથી દૂર રહે છે.'

આ પણ વાંચો: પ્રદૂષણની ગંભીર અસર : 40 વર્ષની ઉંમરે ફેફસાં નબળા થયા! શ્વાસ સંબંધિત બીમારી 30% વધી


લેબોરેટરીમાં કરવામાં આવેલા પરીક્ષણોમાં ઉત્સાહજનક પરિણામો મળ્યા છે. આ કાપડ વાતાવરણમાં રહેલા ઈ કોલાઈ બેક્ટેરિયાનો પણ નાશ કરતું હોવાનું સાબિત થયું છે. આ કાપડ સૂર્યના હાનિકારક અલ્ટ્રા વાયોલેટ (UV) કિરણોની તીવ્રતા પણ ઓછી કરવાની ક્ષમતા ધરાવે છે.

અસરકારકતા 30 વોશ સુધી જળવાઈ રહેશે

ડો. ભરત પટેલે દાવો કર્યો હતો કે, 'આ કાપડનો ઉપયોગ લાંબા ગાળા સુધી થઈ શકે છે. તેમણે કહ્યું, 'આ કાપડ પર કરવામાં આવેલા કોટિંગની અસરકારકતા 30 વખત સુધી વોશ કરવામાં આવે ત્યાં સુધી જળવાઈ રહે છે.' આ આવિષ્કાર મચ્છરજન્ય રોગો સામે લડવામાં અને પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના આરોગ્ય સુરક્ષા પૂરી પાડવામાં એક ક્રાંતિકારી પગલું સાબિત થઈ શકે છે.'