એમ.એસ.યુનિ.માં 736માંથી 691 પરીક્ષાઓ પૂર્ણ, તા.20 મેના રોજ છેલ્લું પેપર
file photo |
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં કોરોનાકાળ બાદ પહેલી વખત સમયસર પરીક્ષાઓ લેવામાં આવી રહી છે અને તેના કારણે ૨૦ મે સુધીમાં તમામ પરીક્ષાઓ પૂર્ણ થઈ જશે.જેનાથી હજારો વિદ્યાર્થીઓને રાહત થશે.
મળતી વિગતો પ્રમાણે ઉનાળુ સત્રમાં યુનિવર્સિટીએ કુલ મળીને ૭૩૬ પરીક્ષાઓ લેવાની હતી અને તેમાંથી ૬૯૧ પરીક્ષાઓ પૂરી થઈ ગઈ છે.જેમાં કોમર્સ, સાયન્સ અને આર્ટસ જેવી વધારે વિદ્યાર્થીઓ ધરાવતી ફેકલ્ટીઓની પરીક્ષાઓનો પણ સમાવેશ થાય છે.
અત્યારે લગભગ તમામ ફેકલ્ટીઓમાં કોઈને કોઈ પરીક્ષા ચાલી રહી છે.નવું શૈક્ષણિક સત્ર સમયસર શરુ કરવાની સરકારની સૂચના બાદ યુનિવર્સિટી સત્તાધીશોએ પણ ફેકલ્ટી ડીનોને તાકીદ કરીને વેળાસર પરીક્ષાઓ લેવા માટે કહ્યું હતું.તા.૨૦મેના રોજ આર્ટસ ફેકલ્ટી અને એજ્યુકેશન સાયકોલોજી ફેકલ્ટીના વિદ્યાર્થીઓ છેલ્લું પેપર આપશે.કોમર્સ અને સાયન્સ ફેકલ્ટીની તમામ પરીક્ષાઓ તા.૬ મેના રોજ પૂરી થઈ જશે.
મળતી વિગતો પ્રમાણે મોટાભાગની ફેકલ્ટીઓમાં વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓની ચકાસણી માટે સેન્ટ્રલ એસેસમેન્ટ સેલ પણ શરુ કરી દેવામાં આવ્યા છે.ગત વર્ષે જૂન મહિનામાં પણ કેટલીક પરીક્ષાઓ લેવાઈ હતી.કોમર્સમાં તો એફવાયના વિદ્યાર્થીઓની પરીક્ષા ઉનાળુ વેકેશન બાદ લેવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને ઉનાળા વેકેશનમાં ભણવાનો વારો આવ્યો હતો.જોકે આ વર્ષે કોમર્સની પરીક્ષાની ગાડી પણ પાટે ચઢી ગઈ છે.