Gujarat

વિદ્યાર્થીઓએ આ વર્ષે ડિગ્રી અથવા ઓનર્સ ડિગ્રીનો વિકલ્પ પસંદ કરવો પડશે

By GS TEAM
2 Oct 20251 min read
વિદ્યાર્થીઓએ આ વર્ષે ડિગ્રી અથવા ઓનર્સ ડિગ્રીનો વિકલ્પ પસંદ કરવો પડશે

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં નવી શિક્ષણ નીતિ લાગુ થયા બાદ પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે.આ વિદ્યાર્થીઓએ ચાલુ વર્ષમાં જ ત્રીજા વર્ષમાં અભ્યાસ કરીને ડિગ્રી મેળવવી છે કે ચોથા વર્ષમાં આગળ અભ્યાસ કરીને ઓનર્સ ડિગ્રી મેળવવી છે તેનો નિર્ણય લેવો પડશે.

જેને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીએ આગામી સપ્તાહે એક ગાઈડ લાઈન બહાર પાડવાનું નક્કી કર્યું છે.ગાઈડ લાઈન તૈયાર કરવા માટે અધ્યાપકોની એક ટીમ કામ કરી રહી છે.જેમાં વિદ્યાર્થીઓને  ડિગ્રી તેમજ ઓનર્સ ડિગ્રીના તફાવતની જાણકારી અપાશે.સાથે સાથે વિદ્યાર્થીઓને વિકલ્પ પસંદ કરવા  માટે એક ફોર્મ પણ ભરાવાશે તેવું સૂત્રોનું કહેવું છે.

ઉલ્લેખનીય છે કે, કોમર્સ ફેકલ્ટીના ટીવાયમાં ૬૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.અન્ય ફેકલ્ટીઓએ પણ પહેલું સેમેસ્ટર પૂરુ થાય ત્યાં સુધીમાં આ પ્રકારની કવાયત કરવી પડશે.કારણકે  વર્તમાન શૈક્ષણિક વર્ષના વિદ્યાર્થીઓ માટેના આગામી પદવીદાન સમારોહ  માટે પણ આ બાબત મહત્વની બનશે.વિદ્યાર્થીઓની પસંદગીના આધારે જ કોન્વોકેશનમાં કેટલા વિદ્યાર્થીઓને ડિગ્રી અપાશે તે નક્કી થશે.