Gujarat

2207 વિદ્યાર્થીઓએ ચાર વર્ષ અને 1376 વિદ્યાર્થીઓએ ત્રણ વર્ષની ડિગ્રી પસંદ કરી

By GS TEAM
9 Dec 20253 mins read
2207 વિદ્યાર્થીઓએ ચાર વર્ષ  અને 1376 વિદ્યાર્થીઓએ ત્રણ વર્ષની ડિગ્રી પસંદ કરી

વડોદરાઃ નવી શિક્ષણ નીતિ હેઠળ વિવિધ ફેકલ્ટીઓમાં ઓનર્સ ડિગ્રી પ્રોગ્રામમાં પ્રવેશ મેળવનારા અને અત્યારે ત્રીજા વર્ષમાં ભણી રહેલા વિદ્યાર્થીઓ વર્ષના અંતે ડિગ્રી મેળવવાનો કે ચોથા વર્ષમાં અભ્યાસ ચાલુ રાખીને ઓનર્સ ડિગ્રી મેળવવાનો વિકલ્પ પસંદ કરી શકે છે.

સત્તાધીશોએ વિદ્યાર્થીઓની પસંદગી જાણવાની કવાયત શરુ કરી છે.જેમાં અત્યાર સુધીમાં ૧૩૯૬ વિદ્યાર્થીઓએ ત્રણ વર્ષની ડિગ્રી પર, ૨૨૦૭ વિદ્યાર્થીઓએ ચાર વર્ષની ઓનર્સ ડિગ્રી પર પસંદગી ઉતારી છે.આ સિવાય પણ  વિદ્યાર્થીઓને ઓનર્સ ડિગ્રી વિથ રિસર્ચનો વિકલ્પ અપાયો છે.જેના માટે ૭૭૪ વિદ્યાર્થીઓએ ઈચ્છા દર્શાવી છે.બીજી તરફ ૧૨૦૭ વિદ્યાર્થીઓ એવા છે જેઓ હજી  વિકલ્પ પસંદ કરવામાં મૂંઝવણ અનુભવી રહ્યા છે.યુનિવર્સિટી સૂત્રોનું કહેવું છે કે, વિકલ્પ પસંદ કરવા માટે વિદ્યાર્થીઓને ૨૦ દિવસ અપાયા હતા અને આ સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે.આમ છતા હજી ૨૫ ટકા વિદ્યાર્થીઓ એવા છે જેમણે ફોર્મ જ નથી ભર્યા અને આ વિદ્યાર્થીઓ શું કરવા ઈચ્છે છે તેની જાણકારી ઉપલબ્ધ નથી.આવા વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાની વધુ એક તક અપાય તેવી શક્યતાઓ છે.

દરેક ફેકલ્ટી પ્રમાણે વિદ્યાર્થીઓની પસંદગી

નામ ત્રણ વર્ષ ચાર વર્ષ ચાર વર્ષ (રિસર્ચ) નક્કી નથી

આર્ટસ ૧૭૩ ૨૨૩ ૧૨૫ ૧૪૬

કોમર્સ ૧૦૫૦ ૧૬૪૬ ૪૫૦ ૮૦૧

એજ્યુકેશન ૧૯ ૧૯ ૧૬ ૧૧

હોમસાયન્સ ૩૬ ૭૬ ૪૬ ૫૨

ફાઈન આર્ટસ ૧૩ ૩૨

જર્નાલિઝમ ૧૧

પરફોર્મિંગ આર્ટસ ૧૨ ૩૬ ૧૯

સાયન્સ ૭૮ ૨૧૩ ૮૦ ૧૧૧

સોશ્યલ વર્ક ૧૫ ૨૧

ફેકલ્ટી કો- ઓર્ડિનેટર પાસેથી માર્ગદર્શન મળી શકે છે

માસ્ટર ડિગ્રી કરવા માટે પણ વિદ્યાર્થીઓને બે વિકલ્પ મળશે

એનઈપીના અમલીકરણ માટેના કો ઓર્ડિનેટર અને એજ્યુકેશન સાયકોલોજી ફેકલ્ટીના વરિષ્ઠ પ્રોફેસર કે પુષ્પનાધનનું કહેવું છે કે, એનઈપી હેઠળ જે વિદ્યાર્થીઓ ત્રણ વર્ષ માટે ડિગ્રી કોર્સ કરવા માગે છે તેમને માસ્ટરમાં બે વર્ષના અને જે વિદ્યાર્થીઓ ચાર વર્ષ ભણીને ઓનર્સ ડિગ્રી મેળવવા માગે છે તે વિદ્યાર્થીઓને એક વર્ષના માસ્ટર કોર્સનો વિકલ્પ પણ મળશે.બંને પ્રકારના કોર્સ ડિઝાઈન કરવા માટે ફેકલ્ટીઓ કામ કરી રહી છે.બીજી તરફ જે વિદ્યાર્થીઓએ ફોર્મ જ નથી ભર્યા તેમને દરેક ફેકલ્ટીમાં એનઈપીના કો ઓર્ડિનેટરને મળવા માટેનો પરિપત્ર બહાર પાડવામાં આવશે.મૂંઝવણ અનુભવતા વિદ્યાર્થીઓ ફેકલ્ટી કો ઓર્ડિનેટર પાસે માર્ગદર્શન મેળવી શકશે.આ માટે હજી જૂન મહિના સુધીનો સમય છે.એમબીએ જેવા કોર્સ માટે કે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવા માટે ત્રણ વર્ષનો કોર્સ પૂરતો હોય છે.શક્ય છે કે તેના કારણે પણ વિદ્યાર્થીઓએ ત્રણ વર્ષના ડિગ્રી કોર્સનો વિકલ્પ પસંદ કર્યો હોય.

રિસર્ચ વિથ ઓનર્સ ડિગ્રી કરનારાઓ સીધા પીએચડી પણ કરી શકશે

રિસર્ચ સાથે ઓનર્સ ડિગ્રીનો ચાર વર્ષનો કોર્સ પસંદ કરનારા વિદ્યાર્થીઓ જો ૭૫ ટકા સાથે ઉત્તીર્ણ થાય તો તેમને સીધો પીએચડી માટે પ્રવેશ મળી શકે છે.આ પ્રકારની જોગવાઈ પણ નવી શિક્ષણ નીતિમાં છે અને તેનો અમલ પણ યુનિવર્સિટીમાં કરવામાં આવશે.

પદવીદાન સમારોહમાં ડિગ્રી લેનારા વિદ્યાર્થીઓ ઘટશે 

યુનિવર્સિટીના ૨૦૨૫-૨૬ના વર્ષના પદવીદાન સમારોહમાં પણ  ડિગ્રીના વિકલ્પ પસંદગીની અસર દેખાશે.સામાન્ય રીતે ૭૦૦૦ થી ૮૦૦૦ જેટલા  વિદ્યાર્થીઓ સ્નાતક કક્ષાની ડિગ્રી મેળવતા હોય છે પણ ત્રીજા વર્ષનો વિકલ્પ પસંદ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી થઈ જતા હવે આગામી પદવીદાન સમારોહમાં ડિગ્રી મેળવનારાઓની સંખ્યામાં ધરખમ ઘટાડો થશે.

નવ ફેકલ્ટીઓમાં નવી શિક્ષણ નીતિ પ્રમાણે ફેરફાર 

નવી શિક્ષણ નીતિનો યુનિવર્સિટીની  નવ ફેકલ્ટીઓમાં અમલ કરાયો છે.જ્યારે એઆઈસીટીઈ હેઠળની મેનેજમેન્ટ, ફાર્મસી અને પોલીટેકનિક તેમજ મેડિસિન ફેકલ્ટીનો અભ્યાસક્રમ અલગ પ્રકારનો હોવાથી તેમાં નવી શિક્ષણ નીતિ લાગુ કરાઈ નથી.