યુનિ.ના કોમ્પ્યુટર સાયન્સ વિભાગની વિદ્યાર્થિનીને ઈન્ટર્નશિપ માટે ૧.૨૫ લાખનું સ્ટાઈપેન્ડ
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના કોમ્પ્યુટર સાયન્સ વિભાગના વિદ્યાર્થીઓને કેમ્પસ ઈન્ટરવ્યૂમાં તો ૧૦ થી ૧૫ લાખ રુપિયાનું આકર્ષક પગાર પેકેજ ઓફર થાય છે જ પણ ઈન્ટર્નશિપમાં પણ વિદ્યાર્થીઓને સારામાં સારુ સ્ટાઈપેન્ડ મળી રહ્યું છે.
કોમ્પ્યુટર સાયન્સ વિભાગના સત્તાધીશોએ મહત્તમ વિદ્યાર્થીઓ ઈન્ટર્નશિપ શરુ કરે તે માટે પ્રયાસો શરુ કર્યા છે.જેના ભાગરુપે ચોથા વર્ષની સાથે સાથે ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ ઈન્ટર્નશિપ કરે તે માટે પણ પ્રોત્સાહન આપવામાં આવે છે.ઉપરાંત વિભાગના અધ્યાપકો પણ મોટી કંપનીઓમાં ચાવીરુપ જગ્યાએ ફરજ બજાવતા અથવા પોતાની કંપની ચલાવતા પૂર્વ વિદ્યાર્થીઓનો સંપર્ક કરીને તેમને વિદ્યાર્થીઓને ઈન્ટર્નશિપ આપવા માટે કહી રહ્યા છે.
વિભાગના સૂત્રોનું કહેવું છે કે, આ વર્ષે વેકેશનમાં ત્રીજા વર્ષના ૩૫ જેટલા વિદ્યાર્થીઓ વિવિધ જગ્યાએ ઈન્ટર્નશિપ કરશે અને તેમાં પણ વિભાગની ત્રીજા વર્ષની વિદ્યાર્થિની પ્રિયલ રાવલને ખ્યાતનામ ટેક કંપનીએ ચાર મહિનાની ઈન્ટર્નશિપ માટે પસંદ કરી છે.તેને દર મહિને ૧.૨૫ લાખ રુપિયાનું સ્ટાઈપેન્ડ મળશે.આ પણ એક રેકોર્ડ છે.અન્ય એક વિદ્યાર્થિની ખુશી પટેલને પણ એક મલ્ટીનેશનલ કંપનીએ ઈન્ટર્નશિપ માટે દર મહિને ૪૦૦૦૦ રુપિયાનું સ્ટાઈપેન્ડ આપવાનું નક્કી કર્યું છે.
અન્ય વિદ્યાર્થીઓને પણ સરેરાશ ૧૫૦૦૦ થી ૨૦૦૦૦ રુપિયા સ્ટાઈપેન્ડ ઓફર થયું છે.આ વિદ્યાર્થીઓને ઈન્ટર્નશિપના કારણે અભ્યાસની સાથે સાથે જ કંપનીઓમાં કામ કરવાનો અનુભવ મળશે.