જીકાસ પોર્ટલ પર વિદ્યાર્થીઓની ચોઈસ ફિલિંગમાં એમ.એસ.યુનિ. ચોથા સ્થાને
વડોદરાઃ ધો.૧૨ના જાહેર થયેલા પરિણામો બાદ ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓ અને કોલેજોમાં બીકોમ, બીએ અને બીએસસી સહિતના અભ્યાક્રમોમાં પ્રવેશ માટે જીકાસ પોર્ટલ પર હાલમાં પ્રવેશ ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલી રહી છે.
આ પોર્ટલ પર વિદ્યાર્થીઓને કુલ ૧૩ સરકારી યુનિવર્સિટીઓમાંથી વિકલ્પ પસંદ કરવાની તક મળે છે.અન્ડર ગ્રેજ્યુએટ કોર્સમાં ચોઈઝ ફિલિંગ માટે વાલીઓ અને વિદ્યાર્થીઓ જે યુનિવર્સિટી પર પસંદગી ઉતારી રહ્યા છે તેમાં એમ.એસ.યુનિવર્સિટી ચોથા સ્થાને છે.અત્યાર સુધી સૌથી વધારે ૩૮૬૧૦ વિદ્યાર્થીઓએ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી પર પસંદગી ઉતારી છે.ગુજરાત યુનિવર્સિટી ૩૮૧૯૩ વિદ્યાર્થીઓની સંખ્યા સાથે બીજા ક્રમે છે.૨૨૩૪૯ની સંખ્યા સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ત્રીજા ક્રમે છે અને એમ.એસ.યુનિવર્સિટીની ૧૫૬૦૧ વિદ્યાર્થીઓએ ચોઈઝ ફિલિંગમાં પસંદગી કરી છે.
બીજી તરફ જીકાસ પોર્ટલ પર પ્રવેશ ફોર્મ ભરવા માટેની સમય મર્યાદામાં ત્રણ દિવસનો વધારો કરાયો છે.હવે વિદ્યાર્થીઓ તા.૨૧ મે સુધી ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી શકશે.જોકે ઘણા વાલીઓ અને વિદ્યાર્થીઓનું માનવું છે કે, સમય મર્યાદામાં હજી વધારો કરવાની જરુર છે.કારણકે ઘણા વાલીઓ અને વિદ્યાર્થીઓને જાતિને લગતા કે ઈડબલ્યૂએસના સર્ટિફિકેટ લેવાના બાકી છે.
નવા કાર્યક્રમ પ્રમાણે ફોર્મ ભર્યા બાદ વિદ્યાર્થીઓએ તા.૨૩ સુધી ઓનલાઈન પ્રમાણપત્રોની ઓરિજિનલ કોપીની નજીકના વેરિફિકેશન સેન્ટર પર ખરાઈ કરાવવાની રહેશે.તા.૨૯ થી ૩૧ મે દરમિયાન પ્રવેશનો પહેલો રાઉન્ડ યોજાશે.જેમાં વિદ્યાર્થીઓએ પ્રવેશની ઓફરની ચકાસણી બાદ ફી ભરવાની રહેશે.તા.૩ અને ચાર જુલાઈ દરમિયાન પ્રવેશનો બીજો , તા.૬ થી ૯ જુલાઈ દરમિયાન ત્રીજો, અને જરુર પડે તો તા.૧૧ અને ૧૨ મેના રોજ ચોથો રાઉન્ડ યોજાશે.