Get The App

શાકમાંથી ઈયળ નીકળ્યા બાદ બોયઝ હોસ્ટેલની મેસ બંધ કરવાનો આદેશ

Updated: Aug 3rd, 2025

GS TEAM

Google News
Google News
શાકમાંથી ઈયળ નીકળ્યા બાદ બોયઝ હોસ્ટેલની મેસ બંધ કરવાનો આદેશ 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલ કેમ્પસમાં આવેલી એસપી હોલની મેસમાં શનિવારની રાત્રે ભોજનમાં ઈયળ નીકળવાની ઘટના બાદ આ મેસને કામચલાઉ ધોરણે સત્તાધીશોએ બંધ કરાવી દીધી છે.

યુનિવર્સિટીના ચીફ વોર્ડન વિજય પરમારે કહ્યું હતું કે, એસપી હોલની મેસમાં શનિવારે રાત્રે  વિદ્યાર્થીઓ માટેના ભોજનમાં શાકમાંથી ઈયળ નીકળી હતી.એક વિદ્યાર્થીએ આ ઘટનાનો વિડિયો પણ બનાવ્યો હતો.આ બાબતની જાણ થતા વોર્ડનને મેસ પર જઈને તપાસ કરવાની પણ સૂચના આપી હતી.આ મેસનું સંચાલન રાજપુરોહિત કેટરર્સ નામના કોન્ટ્રાકટર પાસે છે.આ બનાવ બાદ મેસને અમે બંધ કરાવી દીધી છે.

તેમણે કહ્યું હતું કે, ગર્લ્સ હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગના કારણે વિદ્યાર્થિનીઓ બીમાર પડયા બાદ હોસ્ટેલમાં ચાલતી મેસમાં અને યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓની કેન્ટીનમાં ભોજનની ચકાસણી કરવા માટે ફૂટ સેફટી કમિટિ બનાવી છે.આ કમિટિ દ્વારા મેસની ચકાસણી કરવામાં આવશે અને કમિટિના રિપોર્ટના આધારે મેસ ફરી ચાલુ કરવા અંગે નિર્ણય લેવાશે.દરમિયાન મેસ કોન્ટ્રાક્ટર સામે નિયમો પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે.બોયઝ હોસ્ટેલમાં અન્ય હોલની મેસ ચાલુ હોવાથી વિદ્યાર્થીઓને જમવા માટે તકલીફ નહીં પડે.ઉલ્લેખનીય છે કે, ગર્લ્સ હોસ્ટેલની મેસ પણ ફૂડ પોઈઝનિંગના કારણે પહેલા જ બંધ કરવામાં આવી છે.ઈયળ મળવાની ઘટનાના કારણે વિદ્યાર્થીઓની ફૂડ સેફટી સામે ફરી એક વખત સવાલો ઉભા થયા છે.


Tags :