નવા વીસીની નિમણૂકના પગલે યુનિ.નો પદવીદાન સમારોહ પાછો ઠેલાયો
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં તા.૫ સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિને યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજવાનું સત્તાધીશોએ માંડી વાળ્યું છે.મળતી વિગતો પ્રમાણે પદવીદાન સમારોહ હવે થોડા દિવસ પાછો ઠેલાઈ ગયો છે.
વર્ષો પહેલા સિન્ડિકેટે શિક્ષક દિને જ વિદ્યાર્થીઓનો પદવીદાન સમારોહ યોજાય અને તેમને ડિગ્રી મળે તે માટે ઠરાવ કર્યો હતો પરંતુ કોઈને કોઈ કારણસર તા.૫ સપ્ટેમ્બરે પદવીદાન સમારોહ યોજાતો નહોતો.ઉલટાનું કોરોનાકાળ પછી તો જાન્યુઆરી અને ફેબ્રઆરી મહિનામાં સમારોહનું આયોજન થવા માંડયું હતું.
આ વર્ષે યુનિવર્સિટીની ઉનાળુ પરીક્ષાઓના પરિણામ સમયસર આવી ગયા હોવાથી ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર પ્રો.ધનેશ પટેલે તા.૫ સપ્ટેમ્બરે પદવીદાન સમારોહ યોજવાનું નક્કી કર્યું હતું.જોકે સમારોહના થોડા જ દિવસ અગાઉ સરકારે નવા વાઈસ ચાન્સેલર તરીકે મુંબઈના પ્રોફેસર બી એમ ભનાગેની નિમણૂક કરી છે.તેઓ તા.૧ સપ્ટેમ્બરે ચાર્જ સંભાળે તેવી શક્યતા છે.જેના કારણે ચાર જ દિવસ બાદ પદવીદાન સમારોહનું આયોજન શક્ય નહીં બને.
ાુનિવર્સિટીના સૂત્રોનું કહેવું છે કે, આ ઉપરાંત મુખ્ય અતિથિનું નામ હજી નક્કી થયું નથી.મુખ્ય અતિથિ તરીકે જેમની પસંદગી કરાઈ છે તે મહાનુભાવની સંમતિ મળી નથી.જેના કારણે પણ સમારોહ પાછો ઠેલવો પડે તેમ છે.આમ છતા સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં પદવીદાન સમારોહ યોજવામાં આવશે.એટલે અગાઉના વર્ષો કરતા તો સમારોહ વહેલો જ યોજાશે અને વિદ્યાર્થીઓને સમયસર ડિગ્રી મળી જશે.