MSU કેમ્પસમાં 'નો-વ્હીકલ ડે' ના પગલે વાહનોની પાંખી હાજરી, વીસી કારની જગ્યાએ ટુ વ્હીલર પર આવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara M S University : પેટ્રોલ અને ડિઝલની બચત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં કરેલી અપીલ બાદ એમ.એસ.યુનિવર્સિટી કેમ્પસમાં દર સોમવારે 'નો વ્હીકલ ડે' મનાવવાની સત્તાધીશોએ અપીલ કરી છે.
જેની શરૂઆત આજથી થઈ હતી અને તેની ખાસી અસર જોવા મળી હતી. યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો.ભણગે કાર છોડીને ઈલેક્ટ્રિક ટુ વ્હીલર પર યુનિવર્સિટી હેડ ઓફિસ પહોંચ્યા હતા તો રજિસ્ટ્રાર અને બીજા અધિકારીઓ પણ પગપાળા કે પછી કાર પુલિંગ કરીને અથવા રીક્ષામાં હેડ ઓફિસ આવ્યા હતા.
ફેકલ્ટીઓમાં પણ આ અપીલની અસર જોવા મળી હતી. કોમર્સ ફેકલ્ટીના ડીન સાયકલ લઈને આવ્યા હતા તો અન્ય ફેકલ્ટીઓમાં પણ ડીન, અધ્યાપકોમાંથી ઘણા ખરા કાર ઘરે છોડીને ટુ વ્હીલર અથવા તો બીજી રીતે કેમ્પસમાં આવ્યા હતા. બિન શૈક્ષણિક કર્મચારીઓએ પણ મુશ્કેલીઓ પડી હોવા છતા આ અપીલ પર અમલ કર્યો હતો. આમ કેમ્પસમાં આજે કાર અને ટુ વ્હીલરની પાંખી હાજરી જોવા મળી હતી.
સૂત્રોનું કહેવું છે કે, ફેકલ્ટી ડીનોએ વોટસએપ ગ્રુપમાં પણ અધ્યાપકો અને કર્મચારીઓને નો વ્હીકલ ડે મનાવવા માટે સૂચના આપી હતી અને તેની અસર દેખાઈ હતી. હાલમાં વેકેશન ચાલી રહ્યું હોવાથી વિદ્યાર્થીઓની તો કેમ્પસમાં હાજરી નહોતી પણ શૈક્ષણિક સત્ર ચાલુ થયા બાદ વિદ્યાર્થીઓ પાસે ફેકલ્ટીઓ કેવી રીતે 'નો વ્હીકલ ડે'નું પાલન કરાવશે તે જોવાનું રહેશે.









