વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટી કેમ્પસમાં સુરક્ષાને લઈને ઉઠેલા સવાલો બાદ યુનિવર્સિટી સત્તાધીશોએ પોલીસની મદદ માગી છે.
મળતી વિગતો પ્રમાણે યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટી સહિત અન્ય ફેકલ્ટીઓમાં પણ હવે પરીક્ષાઓની શરુઆત થઈ ગઈ હોવાથી કેમ્પસમાં હજારો વિદ્યાર્થીઓની રોજ અવર જવર રહે છે.ટ્રાફિકની પણ સમસ્યા સર્જાય છે.સૌથી વધારે ચિંતાની બાબત કેમ્પસમાં બહારના તત્વોનો વધી રહેલો જમાવડો છે.બીજી તરફ યુનિવર્સિટીની પોતાની સુરક્ષા વ્યવસ્થા સદંતર નિષ્ફળ ગઈ છે ત્યારે સત્તાધીશોએ હવે પોલીસને પણ સમયાંતરે પેટ્રોલિંગ કરવા માટે વિનંતી કરવી પડી છે.યુનિવર્સિટી રજિસ્ટ્રાર ડો.ચૂડાસમાએ કહ્યું હતું કે, પરીક્ષાના સમયે પોલીસ પણ કેમ્પસમાં નજર રાખે તે જરુરી છે અને અમે સમયાંતરે પોલીસ પાસે સહકાર માંગીએ છે.અત્યારે પરીક્ષા ચાલી રહી હોવાથી અમે પોલીસને જાણ કરી છે.ઉપરાંત પોલીસ દ્વારા પણ અમને સામેથી જ કોઈ મોટો કાર્યક્રમ કે ઈવેન્ટ હોય તો જાણકારી આપવા માટે સંપર્ક કરવામાં આવતો જ હોય છે.
આર્ટસ ફેકલ્ટીની કેન્ટીન બહારના તત્વોનો અડ્ડો બની
કેમ્પસમાં બહારના તત્વો બેરોકટોક અવર જવર કરી રહ્યા છે ત્યારે આર્ટસ ફેકલ્ટીની કેન્ટીન ફરી એક વખત બહારના યુવાનોનો અડ્ડો બની રહી છે.વિદ્યાર્થી આલમમાં ચાલી રહેલી ચર્ચા પ્રમાણે બહારના યુવાનો અહીંયા કલાકો સુધી બેસી રહે છે અને દાદાગીરી પણ કરે છે.તેમને એક વિદ્યાર્થી સંગઠનના હોદ્દેદાર છાવરતા હોવાનું પણ કહેવાય છે.જોકે આર્ટસ ફેકલ્ટીના સત્તાધીશોની સાથે યુનિવર્સિટી સત્તાધીશો પણ બેખબર છે.ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં આર્ટસ ફેકલ્ટીમાં જ પઠાણ ગેંગ નામના ગુ્રપે ઉત્પાત મચાવ્યો હતો અને આ ગેંગનો અડ્ડો પણ આર્ટસ ફેકલ્ટીની કેન્ટીન જ હતી.


