ટ્રેનોમાં પાસ હોલ્ડરો માટે ઉપયોગી એમએસટી કોચ કોરોનાકાળથી બંધ , છ ડિવિઝનના અસંખ્ય પાસ હોલ્ડરો પરેશાન
એમએસટી કોચ ફરી શરૂ કરવા પેસેન્જર એન્ડ પાસ હોલ્ડર વેલ્ફેર એસોસિએશનની વેસ્ટર્ન રેલ્વે જનરલ મેનેજરને રજૂઆત
એક માત્ર વડોદરા - દહાનુ ટ્રેનમાં જ એમએસટી કોચની સુવિધા ઉપલબ્ધ
વેસ્ટર્ન રેલ્વેના છ ડિવિઝનમાં પ્રતિદિન હજારોની સંખ્યામાં પાસ હોલ્ડરો મુસાફરી કરી રહ્યા હોય કોરોનાકાળમાં ટ્રેનોમાં એમએસટી કોચની વ્યવસ્થા બંધ કરાયા બાદ હજુ સુધી પુન: કાર્યરત ન કરતા અસંખ્ય પાસ હોલ્ડરો અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

વેસ્ટર્ન રેલ્વે પેસેન્જર એન્ડ પાસ હોલ્ડર વેલ્ફેર એસોસિએશન પ્રમુખ અને ડી.આર.યુ.સી.સી મેમ્બર એમ. હબીબ લોખંડવાલા દ્વારા વેસ્ટર્ન રેલ્વે જનરલ મેનેજર વિવેક કુમાર ગુપ્તાને લેખિત રજૂઆત કરી હતી કે, અગાઉ કેટલીક એક્સપ્રેસ અને મેલ એક્સપ્રેસ ટ્રેનોમાં એમએસટી પાસ હોલ્ડરો માટે અલાયદી એમએસટી કોચની વ્યવસ્થા હતી. પરંતુ, કોરોનાકાળમાં એમએસટી કોચની સુવિધા બંધ કરાયા બાદ આજદીન સુધી તેને ફરી શરૂ કરવામાં આવી નથી. જેથી અન્ય શહેર - જીલ્લામાં રોજગાર, શિક્ષણ સહિતના કારણોસર પ્રતિદિન હજારોની સંખ્યામાં મુસાફરી કરતા પાસ હોલ્ડરો હાલ મુશ્કેલીમાં છે. જનરલ કોચમાં મુસાફરી કરતા સમયે તેઓની પેસેન્જર સાથે અવારનવાર તકરાર થાય છે. એમએસટી પાસ હોલ્ડરોની આ સમસ્યા હલ થાય તે માટે વહેલી તકે એમએસટી કોચ શરૂ કરવા જરૂરી છે. રેલ્વે વિભાગ દ્વારા વિવિધ કેટેગરીના મુસાફરો માટે કેટેગરી મુજબ વ્યવસ્થા આપવામાં આવી રહી છે, તો, પાસ હોલ્ડરો માટે કેમ નહીં ?. અત્રે ઉલ્લેખનીય છે કે, રતલામ ,ભાવનગર ,અમદાવાદ ,વડોદરા અને મુંબઈ ડિવિઝનથી હજારોની સંખ્યામાં પાસ હોલ્ડરો મુસાફરી કરી રહ્યા છે, ત્યારે માત્ર વડોદરા - દહાનુ ટ્રેનમાં જ એમએસટી કોચની સુવિધા ઉપલબ્ધ હોય તો અન્ય રૂટની ટ્રેનોમાં કેમ નહીં તે પણ એક સવાલ છે.