Get The App

1 નવેમ્બરથી ડાંગર, બાજરી, જુવાર, સહિતની લઘુતમ ટેકાના ભાવે ખરીદી કરાશે, રૂ. 300નું બોનસ પણ મળશે

Updated: Sep 30th, 2025

GS TEAM

Google News
Google News
1 નવેમ્બરથી ડાંગર, બાજરી, જુવાર, સહિતની લઘુતમ ટેકાના ભાવે ખરીદી કરાશે, રૂ. 300નું બોનસ પણ મળશે 1 - image


Gujarat Government: રાજ્યના ખેડૂતો પાસેથી વિવિધ ખરીફ પાકોની લઘુતમ ટેકાના ભાવે ખરીદી કરાશે. જેમાં રાજ્યના નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ માર્કેટીંગ સીઝન 2025- 26માં લઘુતમ ટેકાના ભાવે ડાંગર, બાજરી, જુવાર, રાગી અને મકાઈની સીધી ખરીદી કરવામાં આવશે. 

લઘુતમ ટેકાના ભાવે ખરીદી માટે આ વર્ષે ડાંગર-કોમન માટે રૂ. 2369 પ્રતિ ક્વિન્ટલ, ગ્રેડ-એ ડાંગર માટે રૂ. 2389 પ્રતિ ક્વિ., મકાઈ રૂ. 2,400 પ્રતિ ક્વિ., બાજરી રૂ.2,775 પ્રતિ ક્વિ., જુવાર-હાઈબ્રીડ રૂ. 3,699 પ્રતિ ક્વિ., જુવાર –માલદંડી રૂ.3,749 પ્રતિ ક્વિ. તથા રાગી માટે રૂ. 4,886 પ્રતિ ક્વિન્ટલની કિંમત નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત બાજરી,જુવાર તથા રાગીમાં ટેકાના ભાવ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા પ્રતિ ક્વિન્ટલ રૂ.300નું બોનસ પણ આપવામાં આવશે. 

લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છતા ખેડૂતોએ ઓનલાઇન નોંધણી કરાવાની રહેશે. જેમાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે તેમજ તાલુકા કક્ષાએ નિગમના ગોડાઉન ખાતે આવતીકાલ 1થી 31 ઑકટોબર 2025 સુધી ખેડૂત ખાતેદારના બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા જ નોંધણી કરવામાં આવશે. આ કૃષિ પાકોની ટેકાના ભાવે ખરીદી 1 નવેમ્બર 2025થી 30 જાન્યુઆરી 2026 સુધી કરવામાં આવશે.  

જાણો કયા પુરાવાની જરૂર પડશે 

નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો 7, 12, 8-અ ની નકલ, ગામ નમૂના ૧૨માં પાક વાવણી અંગે નોંધ ના થઇ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામના બૅંક ખાતાની વિગત જેમ કે બૅંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે. રાજ્યના જે ખેડૂતો તેઓનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તેઓએ ઓનલાઇન નોંધણી કરાવવી ફરજિયાત છે, જે માટે સંબંધિત ગ્રામપંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખેડૂત મિત્રોને નિગમ દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

વધુમાં ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી કરાવેલ ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ/ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથોન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદ કરવામાં આવશે. નોંધણી કરાવતી વખતે તમામ દસ્તાવેજ સુવાચ્ય રીતે અપલોડ થાય તથા માગ્યા મુજબના જ અપલોડ થાય તેની નોંધણી સ્થળ/કાઉન્ટર છોડતા પહેલા ખેડૂતોએ ખાસ કાળજી લેવાની રહેશે. દસ્તાવેજ/ડૉક્યુમેન્ટ્સની ચકાસણી દરમિયાન જો ખોટા ડૉક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તો જે તે ખેડૂતનો ક્રમ રદ થશે અને ખરીદી માટે જાણ કરવામાં આવશે નહી. નોંધણી બાબતે વધુ માહિતી માટે હેલ્પલાઇન નંબર 85111 71718 તથા 85111 71719 ઉપર સંપર્ક કરવાનો રહેશે.

Tags :