એમ.પી.ની ચામાચીડિયા ગેંગના વડોદરામાં ધામા : દિવસે ફૂગ્ગા વેચી રાતે ચોરીઓ કરતી હતી
મકરપુરા અને માંજલપુર વિસ્તારમાં ૧૫ દિવસમાં ૪ સ્થળે ચોરી કર્યાની કબૂલાત : સગીર સહિત ત્રણ ઝડપાયા
વડોદરા,મધ્યપ્રદેશથી વડોદરા આવી ફૂટપાથ પર રહી દિવસે વિસ્તારમાં બંધ મકાનની રેકી કરી રાતે ચડ્ડી બનિયન પહેરી ચોરીઓ કરતી મધ્યપ્રદેશની ચામાચીડિયા ગેંગના ત્રણ આરોપીઓને માંજલપુર પોલીસે ઝડપી પાડયા છે. આરોપીઓએ છેલ્લા ૧૫ દિવસમાં મકરપુરા અને માંજલપુર વિસ્તારમાં ચાર સ્થળે લાખોની ચોરી કરી હતી.
છેલ્લા ૧૫ દિવસથી માંજલપુર અને મકરપુરા વિસ્તારમાં બંધ મકાનને નિશાન બનાવી ગણતરીના કલાકોમાં ચોરીને અંજામ આપતી ગેંગે હાહાકાર મચાવ્યા હતો. જેના પગલે એ.સી.પી. પ્રણવ કટારિયાની સૂચના મુજબ માંજલપુર પી.આઇ. એલ.ડી. ગમારા તથા સ્ટાફ દ્વારા સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં આરોપીઓ ચડ્ડી બનિયન પહેરીને આવતા હોવાનું જણાઇ આવ્યું હતું. જેના આધારે પોલીસ આરોપીઓની શોધખોળમાં હતી. દરમિયાન ગઇકાલે સુશેન સર્કલ પાસે ખભા પર સ્કૂલ બેગ ભેરવીને જતા એક શકમંદને પોલીસે ઝડપી પાડયો હતો. આરોપીએ પૂછપરછ દરમિયાન સાથીદારો સાથે ચોરીઓ કરી હોવાની કબૂલાત કરતા પોલીસે તપાસ શરૃ કરતા અન્ય એક આરોપી પણ મળી આવ્યો હતો. આરોપીઓ મધ્યપ્રદેશના ઉજ્જૈન, મનસોર, સુવાસરા વિસ્તારના રહેવાસી છે. વડોદરામાં ફૂગ્ગા વેચવા માટે તેઓ આવે છે. દિવસે પરિવારની મહિલાઓ ફૂગ્ગા વેચવા વિસ્તારમાં ફરી રેકી કરી બંધ મકાનોની માહિતી મેળવી પુરૃષોને આપતી હતી. ત્યારબાદ રાતે ગુનાને અંજામ આપતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરવા માટે ઉપયોગમાં લેવાતા સાધનો કબજે કર્યા છે. પોલીસે દેવરાજ ઉર્ફે દેવા ભૂરિયા સોલંકી, કબીર ઉર્ફે લલ્લુ જશવંતભાઇ સોલંકી ( બંને રહે. શ્રેયસ સ્કૂલની સામે ફૂટપાથ પર, મૂળ રહે. મધ્યપ્રદેશ) તથા એક સગીરને ઝડપી પાડયા છે.
મધ્યપ્રદેશમાં એક પોલીસ જવાનની આંખ ફોડી નાંખી હતી
વડોદરા,
પકડાયેલા આરોપીઓનો ભૂતકાળ ગુનાઇત છે.ડી.સી.પી. અભિષેક ગુપ્તાએ જણાવ્યું હતું કે, આરોપી દેવરાજે મધ્યપ્રદેશમાં એક પોલીસ જવાનની આંખ ફોડી નાંખી હતી. આરોપીઓ હુમલો કરવાની ટેવવાળા છે. તેઓ સ્પ્રેની બોટલ લઇને ફરે છ ે. ગઇકાલે માંજલપુર પોલીસે આરોપીને પકડયો ત્યારે પણ આરોપીએ ભાગી છૂટવા માટે પોલીસની આંખ પર સ્પ્રે છાંટવાની કોશિશ કરી હતી.
દરેક આરોપીની છાતી પર ચામાચીડિયાનું ટેટૂ
વડોદરા,
મધ્યપ્રદેશમાં ચામાચીડિયા ગેંગનો ભારે આતંક છે. ગેંગના તમામ આરોપીઓએ છાતી પર ચામાચીડિયાનું ટેટૂ દોરાવ્યું છે. પોલીસે ત્રણને ઝડપી પાડયા છે. જ્યારે દુર્જન બાબા, રાજપાલ પારધી, યોગેશ સોલંકી તથા બાલી ઉર્વેશ પવારને ઝડપી પાડવા માટે પોલીસે પ્રયાસો હાથ ધર્યા છે.