વડોદરામાં 6 મહિનામાં સવા કરોડનું ડ્રગ્સ પકડાયું, સુરત,મુંબઇ,એમપી,રાજસ્થાન અને પંજાબ કનેક્શન
વડોદરાઃ વડોદરામાં ઠલવાતા ડ્રગ્સનું કનેક્શન સુરત ઉપરાંત આસપાસના રાજ્યો સુધી પહોંચ્યું છે.જેથી શહેર પોલીસ મુખ્ય સપ્લાયરો સુધી પહોંચવા અન્ય રાજ્યોની પોલીસનો સંપર્ક કરી રહી છે.
વડોદરા શહેર પોલીસ કમિશનરે મિશન ક્લિન હેઠળ ડ્રગ્સ સામે ઝુંબેશ ઉપાડી છે.જેમાં સ્કૂલ અને કોલેજોમાં ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામ તેમજ ડ્રગ્સના રવાડે ચડેલા નશેડીઓનું કાઉન્સેલિંગ અને લત છોડાવવા સારવાર જેવી કામગીરી પણ કરવામાં આવી રહી છે.
શહેર એસઓજી દ્વારા છેલ્લા છ મહિનામાં ૧૫ કેસ કરીને એમડી ડ્રગ્સ, ચરસ, અફીણ,કફ સીરપ,હાઇબ્રીડ ગાંજા વગેરેનો કુલ રૃ.૧.૨૫ કરોડનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.જ્યારે,રૃ.૨૪.૫૭ લાખની કિંમતના વાહનો અને મોબાઇલ સહિતની મત્તા મળી કુલ રૃ.૧.૫૪ કરોડનો મુદ્દામાલ કબજે કરી કુલ ૨૬ ડ્રગ્સ પેડલર્સને પકડવામાં આવ્યા છે.
વડોદરામાં સપ્લાય થતા ડ્રગ્સનું કનેક્શન સુરત,મુંબઇ,એમપી,રાજસ્થાન અને પંજાબ જેવા રાજ્યો સુધી પહોંચ્યું છે.જેથી મુખ્ય સપ્લાયરોને પકડવા માટે વડોદરા એસઓજી દ્વારા અન્ય રાજ્યોની પોલીસનો સંપર્કમાં રહી વોચ રાખવામાં આવી રહી છે.