ગોત્રી હોસ્પિટલમાં ડિકમ્પોઝ બોડીના પી.એમ. માટે મુવેબલ કન્ટેનર
કન્ટેનરમાં ચાર બોડી રાખી શકાય તેવો કોલ્ડરૃમ પણ બનાવાયો : આજે કન્ટેનર તૈયાર
વડોદરા,ડિકમ્પોઝ બોડીના પી.એમ.માટે ગોત્રી હોસ્પિટલમાં એક અલગ કન્ટેનર કોલ્ડરૃમ સાથેનું બનાવવામાં આવ્યું છે.જેથી, ડિકમ્પોઝ બોડીનું પી.એમ. થયા પછી ત્યાં જ બોડીને રાખી શકાય.
ગોત્રી હોસ્પિટલમાં છેલ્લા એક અઠવાડિયાથી પી.એમ. ની કાર્યવાહી શરૃ કરી દેવામાં આવી છે. અત્યારસુધી કુલ ૮ મૃતદેહોનું પી.એમ. કરવામાં આવ્યું છે. નેશનલ મેડિકલ એસોસિએશનની ગાઇડ લાઇન મુજબ ડિકમ્પોઝ બોડીના પી.એમ. માટે અલગ રૃમ બનાવવો પડે. ગોત્રી હોસ્પટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો.અનુપ ચંદાણીએ જણાવ્યું હતું કે, ડિકમ્પોઝ બોડીના પી.એમ. માટે હોસ્પિટલમાં અલગ કન્ટેનર ૩૦૦ ફૂટનું તૈયાર કરવામાં આવ્યું છે. ફોરેન્સિક ડિપાર્ટમેન્ટના ડો. હિતેશ રાઠોડે જણાવ્યું છે કે, કેટલાક કિસ્સામાં બોડી એટલી હદે ડિકમ્પોઝ થઇ ગઇ હોય છે કે, સ્થળ પર જ પી.એમ. કરાવવું પડે છે. તેવા કિસ્સામાં આ મુવેબલ કન્ટેનર સ્થળ પર લઇ જઇ શકાશે. ડિકમ્પોઝ બોડી મોટાભાગે અજાણી હોય છે. તેની ઓળખ માટે સમય થતો હોય છે. જેથી, આવી બોડીને પણ અન્ય બોડીથી અલગ રાખવા માટે કન્ટેનરમાં જ કોલ્ડરૃમની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ચાર બોડી રાખી શકાશે. આવતીકાલથી આ કન્ટેનર કાર્યરત થઇ જશે.