વાઇબ્રન્ટ સમિટમાં 2 દિવસ દરમિયાન ઉદ્યોગો વિષયક 5492સમજૂતી કરાર : સૌર ઉર્જાના વિકલ્પથી નવાં વિશ્વના નિર્માણની શક્યતા ઉજળી બનતી જાય છે : કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયેલ
રાજકોટ, : રાજકોટ ખાતે રીજીનલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં આજે ઉર્જા ક્ષેત્રના સશક્તિકરણ અંગેના સેમિનારમાં કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ ઉપસ્થિત રહ્યા હતાં. તેએ સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવાની સાથે પ્રાદેશિક ક્ષેત્રે વાઇબ્રન્ટ ગુજરાત સમિટની પહેલને બિરદાવી હતી. આ પ્રસંગે તેઓએ જણાવ્યું હતું કે સૌર ઉર્જાના વિકલ્પથી નવા વિશ્વના નિર્માણની શક્યતા ઉજળી બની છે. સૌરાષ્ટ્ર અને કચ્છની આ પ્રાદેશિક વાઇબ્રન્ટ સમિટમાં ૫.૭૮ લાખ કરોડના ૫૪૯૨ સમજૂતી કરાર થયા હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું.
વાઇબ્રન્ટ ગુજરાતની રીજનલ કોન્ફરન્સના આજે બીજા દિવસે ઉર્જા ક્ષેત્રની વિવિધ યોજનાઓના લાભાર્થીઓના સન્માન સાથે આયોજિત સેમિનારમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે બિનપરંપરાગત ઉર્જા ક્ષેત્રે સમગ્ર દેશમાં ગુજરાતની કામગીરી મોડેલરૂપ રહી છે. સૌરઉર્જા ક્ષેત્રને પ્રોત્સાહન આપવાથી આગામી દિવસોમાં પ્રદૂષણ ઘટશે. ગેસ, પેટ્રોલ, ડીઝલ જેવા ઉર્જાના સાધનો ઓછા થઇ રહ્યા છે ત્યારે સૌર ઉર્જાના વિકલ્પથી ભારત દેશમાં નવી જ સંકલ્પના સાકાર થઇ રહી છે. વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિને કારણે આપણા દેશમાં ઉપલબ્ધ થતી સૌર ઉર્જા આપણી કુદરતી મુડી છે.
સૌર ઉર્જા ક્ષેત્રે કરેલું એક વખતનું રોકાણ જિંદગીભરની બચત બની જાય છે તેમ જણાવી કેન્દ્રીય મંત્રી ગોયલે ઉમેર્યું હતું કે વર્ષ 2014માં સુર્ય ઉર્જા થકી જે પાવરની સરકારે ખરીદી કરવાનું નક્કી કર્યું હતું ત્યારે રૂા. 16 પ્રતિ યુનિટ ભાવ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આટલા ઉંચા ભાવે વીજળી ખરીદવાનું મુશ્કેલ થશે તેવો મુદ્દો જ્યારે ધ્યાનમાં આવ્યો ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સૌર ઉર્જા થકી પ્રાપ્ત થતી વીજળીની ખરીદી પ્રયોગાત્મક છે. આગામી દિવસોમાં આ ક્ષેત્રમાં સ્પર્ધા વધશે તેથી ભાવો નીચા જશે. પ્રદુષણ મુક્ત ઉર્જા મેળવવી સહેલી થશે. આ વાત આજે સાચી પુરવાર થઇ છે. માત્ર અઢી રૂા.ના યુનિટના ભાવે સુર્ય ઉર્જા મળતી થઇ છે.
ઉર્જા ક્ષેત્રના સશક્તિકરણના સેમિનારમાં રાજ્યના જુદા-જુદા વિભાગના મંત્રીઓની ઉપસ્થિતિમાં પી.એમ. કુસુમ યોજના, પી.એમ. સૂર્યઘર યોજનાના લાભાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. રાજ્યના કેબીનેટ મંત્રી જીતુ વાઘાણી દ્વારા બે દિવસ દરમિયાન રાજકોટ ખાતે પ્રાદેશિક કક્ષાની વાઇબ્રન્ટ સમિટમાં રૂા. 5.78 લાખ કરોડના એમઓયુ કરવામાં આવ્યા હોવાનું જાહેર કરાયું હતું.


