Gujarat

વડોદરા શહેર અને જિલ્લામાં ૨૫૩ પેટ્રોલપંપો કેટલાંક પેટ્રોલપંપોએ સાંજે નો સ્ટોકની જાહેરાત કરતા વાહનચાલકો અટવાયા

By GS TEAM
23 Mar 20262 mins read
વડોદરા શહેર અને જિલ્લામાં ૨૫૩ પેટ્રોલપંપો  કેટલાંક પેટ્રોલપંપોએ સાંજે નો સ્ટોકની જાહેરાત કરતા વાહનચાલકો અટવાયા

વડોદરા, તા.23 વડોદરા શહેર તેમજ જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો અપૂરતો છે તેવી અફવાના પગલે લોકો પેટ્રોલપંપો પર દોડી ગયા હતા જેના પગલે અનેક પેટ્રોલપંપો પર પેટ્રોલનો જથ્થો ખૂટી જતા નો સ્ટોકની જાહેરાત કરવાની ફરજ પડી હતી. સરકારી ઉપરાંત ખાનગી કંપનીના પેટ્રોલપંપો પર પણ સ્ટોક નહી મળતા લોકોમાં પેનિક ફેલાયો છે.

વડોદરા શહેર અને જિલ્લામાં કુલ ૨૫૨ પેટ્રોલપંપો આવેલા છે. આ પેટ્રોલપંપો પર પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરતો છે. હાલમાં પેટ્રોલ અને ડીઝલ મેળવવા માટે પેટ્રોલિયમ કંપની દ્વારા એડવાન્સ પેમેન્ટની સિસ્ટમ અમલમાં મૂકાઇ છે જેથી પેટ્રોલપંપો એડવાન્સ પેમેન્ટ તેમની દૈનિક જરૃરિયાતો મુજબ કરતા હોય છે પરંતુ અચાનક લોકોનો ધસારો વધી જતા સ્ટોક પર તેની અસર પડી છે અને તાત્કાલિક એડવાન્સ પેમેન્ટ નહી કરી શકાતા પેટ્રોલ તેમજ ડીઝલનો જથ્થો મેળવી શકાતો નથી.

આજે બપોરથી લોકોમાં ફેલાયેલી અફવા બાદ પેટ્રોલપંપો પર લોકોની દોડના કારણે અનેક પેટ્રોલપંપો પર પેટ્રોલ ભરાવવા માટે લાંબી લાઇનો લાગી હતી અને કેટલાંક પેટ્રોલપંપો પર પેટ્રોલનો સ્ટોક ખલાસ થઇ જતા નો સ્ટોકની જાહેરાત કરવી પડી હતી. કારેલીબાગમાં વુડા સર્કલ પાસેના પેટ્રોલપંપ પર લાંબી લાઇનો બાદ જથ્થો નથી તેવી જાહેરાત કરવી પડી હતી જ્યારે અલકાપુરીના પેટ્રોલપંપ પર એક ટાંકીમાં પેટ્રોલ ખાલી થઇ જતા તે પંપ બંધ કરવાની નોબત આવી હતી.

પેટ્રોલિયમ કંપની દ્વારા પેટ્રોલ અને ડીઝલનો જથ્થો જોઇએ તેટલો આપવામાં આવે છે પરંતુ લોકોના ધસારાના કારણે અચાનક ડિમાન્ડ વધી ગઇ અને સામે સપ્લાય લેવામાં મોડું થતાં લોકોને રાત્રે હેરાન થવાનો વારો આવ્યો હતો.