ઢળતી સાંજે શહેરમાં ચારે તરફ ટ્રાફિકજામની સમસ્યાથી વાહનચાલકો ત્રસ્ત
સર્કલો નાના કરાયા , બ્રિજો બનાવ્યા છતાં ટ્રાફિકજામની સમસ્યા યથાવત
શહેરમાં ઢળતી સાંજે વાહનચાલકો ટ્રાફિક જામની સમસ્યાથી પરેશાન છે. ટ્રાફિક હળવો કરવા કેટલાક સર્કલો નાના કરવા ઉપરાંત બ્રીજ બનાવાયા છે. છતાં ટ્રાફિકની સમસ્યાથી લોકોને છુટકારો મળી રહ્યો નથી.
શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા વચ્ચે નાના-મોટા અકસ્માતો સાથે માથાકૂટ સર્જાતી હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. ખાસ કરીને અટલબ્રીજ, પંડ્યા બ્રિજ, અક્ષરચોક , ખિસકોલી સર્કલ, મુજમહુડા , એરપોર્ટ, ચાર દરવાજામાં ટ્રાફિકની સમસ્યા કાયમી બની છે. તેમજ સરદાર એસ્ટેટ તથા ખોડીયાર નગર ખાતે બ્રિજની તથા વારસીયા પંચશીલ ત્રણ રસ્તાથી ડ્રેનેજની કામગીરી ચાલી રહી હોય સાંજે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. આ ઉપરાંત નારાયણ વાડીથી બિલ ચોકડી તરફ , અટલાદરા બાપ્સ હોસ્પિટલ પાસે , છાણી જકાતનાકાથી નિઝામપુરા સુધીનો માર્ગ, સુશેન સર્કલ ,જ્યૂપિટર ચાર રસ્તા સહિતના જંકશનનો ખાતે સાંજે ટ્રાફિકની સમસ્યા રહેતા નાગરિકોના કિંમતી સમય સાથે ઇંધણનો વેડફાટ થઈ રહ્યો છે. હાલ ચોમાસાની ઋતુ હોય સામાન્ય વરસાદમાં રેલ્વેના ગરનાળાઓમાં પાણી ભરાતા અવર જવર બંધ થઈ જાય છે. આ ઉપરાંત કપુરાઈ, વાઘોડિયા ,ગોલ્ડન ચોકડી સહિતના શહેરમાં પ્રવેશવાના માર્ગો પર સવારે તથા સાંજે ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે.
જરૂરી ન જણાય ત્યાંના ટ્રાફિક સિગ્નલોને દુર કરવા કાઉન્સિલરની રજૂઆત હતી
તાજેતરમાં હરીનગર, અટલ સહિતના બ્રીજ નીચે ટ્રાફિક સીગ્નલોનો કારણે ટ્રાફિકનું ભારણ વધવા સાથે લોકોના કિંમતી સમય અને ઇંધણનો વેડફાટ થઇ રહ્યો હોવાનું ધ્યાને આવતા સત્તાપક્ષના કાઉન્સિલરે ટ્રાફિક સિગ્નલોનો અભ્યાસ કરી જરૂરી ન જણાય ત્યાંના ટ્રાફિક સિગ્નલોને દુર કરવા પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી.
વાહનચાલકોને ડાબી તરફ વળવા માર્ગ ખુલ્લા મળી રહ્યા નથી
મુખ્ય જંક્શનો પર વાહનચાલકોને ડાબી તરફ જવું હોય તો માર્ગ ખુલ્લા મળી રહ્યા નથી. ઘણા ટ્રાફિક જંકશનો ખાતે રેડ સિગ્નલ 90થી વધુ સેકન્ડ ટાઇમિંગ હોય છે અને ગ્રીન સિગ્નલ માત્ર 10થી 15 સેકન્ડ માટે ખુલી રહ્યા છે. અટલ બ્રિજની નીચે આવેલ ટ્રાફિક સિગ્નલો ખાતે પણ ટ્રાફિકનું ભારણ રહે છે.