શહેરમાં અલગ અલગ ચાર સ્થળોએ મુખ્ય માર્ગ પર ભૂવા પડતા વાહનચાલકો પરેશાન
ભૂવા પડવાનો સિલસિલો યથાવત
કોન્ટ્રાક્ટરની તકલાદી કામગીરીના કારણે ઠેર ઠેર ભૂવા પડી રહ્યા હોવાના કાઉન્સિલરના આક્ષેપ
શહેરમાં લોકોની અવરજવરથી સતત વ્યસ્ત રહેતા ચાર સ્થળોએ મુખ્ય માર્ગ ઉપર ભુવા પડવાની ઘટનાઓ ઘટી હતી.જો કે, સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી. કોર્પોરેશન તાત્કાલિક ધોરણે ભૂવાઓનું સમારકામ કરે તેવી સ્થાનિકોની માંગ હતી.
શહેરના નિઝામપુરા રોડ પર ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સ પાસે મુખ્ય માર્ગ ઉપર પાંચ ફૂટ પહોળાઈ અને અઢી ફૂટ જેટલી ઊંડાઈ ધરાવતો ભૂવો પડ્યો હતો. આ સ્થળે થોડા દિવસ અગાઉ ખોદકામ કરાયું હોવાનું જાણવા મળ્યું છે. કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે આડાશ ઊભી કરી હતી. વહેલીતકે સમારકામની માંગ સાથે કોન્ટ્રાક્ટરની તકલાદી કામગીરીના કારણે શહેરમાં ઠેર ઠેર ભુવા પડી રહ્યા હોવાના આક્ષેપ સ્થાનિક કાઉન્સિલરએ કર્યા હતા. તથા સોમા તળાવથી પ્રતાપનગર તરફના મુખ્ય માર્ગ ઉપર ત્રણ ફૂટ પહોળો અને ચાર ફૂટ ઊંડાઈ ધરાવતો ભૂવો પડ્યો હતો. સ્થાનિકોએ સુરક્ષાના ભાગરૂપે આડાશ મૂકી હતી. તેમજ કલાદર્શન ચાર રસ્તાથી ઉમા ચાર રસ્તા તરફના માર્ગ ઉપર રંગ વિદ્યાલય નજીક માર્ગની વચ્ચોવચ ભૂવો પડ્યો હતો. જેથી સ્થાનિકોએ સુરક્ષાના ભાગરૂપે આડાશ મૂકી હતી. જ્યારે ચકલી સર્કલથી નટુભાઈ સર્કલ તરફના માર્ગ ઉપર ત્રણ ફૂટ પહોળો અને ત્રણ ફૂટ ઊંડાઈ ધરાવતો ભુવો પડ્યો હતો. કોર્પોરેશનએ સાવચેતીના ભાગરૂપે બેરીકેડિંગ કર્યું હતું.