Gujarat

રોંગ સાઈડ બાઈકની ટક્કરે મોટરસાયકલ સવારનું મોત

By GS TEAM
17 Jun 20251 min read
રોંગ સાઈડ બાઈકની ટક્કરે મોટરસાયકલ સવારનું મોત

- ચકલાસીના કોલ્ડ સ્ટોરેજ પાસે 

- ખેતરથી આવતા મોટરસાઈકલ ચાલકે રસ્તામાંથી બેસાડેલા પિતરાઈ ભાઈનું મૃત્યુ

નડિયાદ : નડિયાદ તાલુકામાં સંતરામ કોલ્ડ સ્ટોરેજ નજીક ચકલાસી રોડ ઉપર પસાર થતી મોટરસાયકલ સાથે રોંગ સાઈડે આવેલી બાઈક અથડાતા યુવકનું ગંભીર ઇજા થતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ચકલાસી પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

નડિયાદ તાલુકાના ચકલાસી બીલીયાપુરામાં રહેતા અલ્પેશભાઇ મનહરભાઈ વાઘેલા ગઈકાલે સાંજે મોટરસાયકલ લઈ કંજોડા તરફના રોડ પર આવેલા ખેતરમાં ગયા હતા. ખેતરમાં કામ પૂરું કરી પરત ફરતા કંજોડા કેનાલ નજીક તેમનો કાકાનો દીકરો વિરલ વાઘેલા ચાલતો આવતો હોવાથી તેને બેસાડી સંતરામ કોલ્ડ સ્ટોરેજ નજીક રોડ ઉપરથી પસાર થતા હતા. ત્યારે સામેથી રોંગ સાઈડે આવેલી બાઈક મોટરસાયકલ સાથે અથડાઈ હતી. જેથી બંને બાઈક ચાલક તેમજ પાછળ બેઠેલ વિરલભાઈ કાભાઈ વાઘેલા રોડ ઉપર પડી ગયા હતા. જેમાં વિરલભાઈ વાઘેલા (ઉં.વ.૨૩)ને માથામાં તેમજ શરીર ઉપર ગંભીર ઈજા થતાં બેભાન હાલતમાં નડિયાદ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જતા ડોક્ટરે વિરલ વાઘેલાને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે અલ્પેશ મનહરભાઈ વાઘેલાની ફરિયાદ આધારે ચકલાસી પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.