ધન્ય છે આ જનેતાઓને! અમદાવાદમાં 2042 માતાએ ધાવણ દાન કરીને અનેક નવજાત શિશુને આપ્યું નવજીવન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Mother’s Day Special: મધર્સ ડેના પર અમદાવાદ સિવિલ હોસ્પિટલની ‘મા વાત્સલ્ય મિલ્ક બેન્ક’માંથી માતૃત્વ અને માનવતાનું એક અનોખું ઉદાહરણ પ્રકાશમાં આવ્યું છે. નવજાત શિશુઓ માટે અમૃત ગણાતા માતાના ધાવણનું દાન કરીને અનેક જાગૃત માતાઓએ બીમાર અને જરૂરિયાતમંદ બાળકોના પ્રાણ બચાવ્યા છે.
8 મહિનામાં 2000થી વધુ માતાઓનું મહાદાન
સિવિલ હોસ્પિટલની મિલ્ક બેન્ક માત્ર 8 મહિનાના ટૂંકા ગાળામાં અનેક પરિવારો માટે સંજીવની સાબિત થઈ છે. અત્યાર સુધીમાં કુલ 2042 જેટલી માતાઓએ 434 લીટર ધાવણનું મહાદાન કર્યું છે, જેના થકી 451 જેટલા નવજાત બાળકોને નવજીવન પ્રાપ્ત થયું છે. આ મિલ્ક બેન્ક માતાના પ્રેમથી વંચિત અથવા બીમાર નવજાત શિશુઓ માટે ખરા અર્થમાં આશીર્વાદરૂપ બની ગઈ છે. આ સેવાકાર્યમાં મંજુલાબેન, કૃષ્ણાબેન, પુનિતાબેન અને પૂજા પટેલ જેવી માતાઓએ નિઃસ્વાર્થ ભાવે યોગદાન આપી સમાજમાં નવી મિસાલ રજૂ કરી છે.
માતાનું ધાવણ બાળકની તંદુરસ્તી માટે અમૃત સમાન: ડૉ. રાકેશ જોષી
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ તમામ માતાઓને મધર્સ ડેની શુભેચ્છા પાઠવતા ભાવુક સંદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે, 'એક બાળકોના સર્જન તરીકે હું માતૃત્વને ખૂબ નજીકથી જોઉં છું. નવ મહિનાની આકરી તપસ્યા બાદ જ્યારે માતા પોતાના બાળકને પહેલું ધાવણ આપે છે, ત્યારે તેની આંખોમાં હર્ષના આંસુ હોય છે. ‘મા તે મા, બીજા બધા વગડાના વા’ એ કહેવત હું મારી રોજબરોજની જિંદગીમાં સાર્થક થતી અનુભવું છું.'
મિલ્ક બેન્ક અંગે ડૉ. રાકેશ જોષીએ ઉમેર્યું કે, 'મધર્સ ડે ભલે વર્ષમાં એક વાર આવતો હોય, પરંતુ માતા તો 365 દિવસ પોતાના બાળક માટે તપસ્યા અને ભોગ આપતી હોય છે. આ મિલ્ક બેન્કના માધ્યમથી જે રીતે માતાઓએ દૂધ ડોનેટ કર્યું છે, તેનાથી 450થી વધુ નવજાત બાળકોનું જીવન બદલાયું છે.'
જરૂરિયાતમંદ શિશુઓ માટે આશીર્વાદ
સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન બાદ કે ગંભીર સ્થિતિમાં રહેલા બાળકો માટે જ્યારે માતાનું ધાવણ ઉપલબ્ધ નથી હોતું, ત્યારે આ મિલ્ક બેન્ક તેમના પોષણનો મુખ્ય સ્ત્રોત બને છે. આ પહેલથી રાજ્યમાં શિશુ મૃત્યુદરમાં ઘટાડો લાવવા અને બાળકોને કુપોષણમુક્ત રાખવામાં મોટી મદદ મળી રહી છે.








