પુત્રને ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતારનાર માતાનું પણ મોત
- આણંદના તાલુકા મથક ઉમરેઠમાં
- સારવાર દરમિયાન માતાનું મૃત્યુ : ઘરકંકાસના કારણે પુત્રની હત્યા બાદ માતાની આત્મહત્યા
ઉમરેઠ નજીક આવેલા થામણા ગામના પિયુષભાઈ ભઈલાલભાઈ દરજી ઉમરેઠની રિદ્ધિ- સિદ્ધિ સોસાયટી ખાતે રહે છે અને દરજી કામ કરી જીવન ગુજરાન ચલાવે છે. લગભગ પાંચેક વર્ષ પૂર્વે તેઓએ ધરતીબેન સાથે બીજા લગ્ન કર્યા હતા અને બીજી પત્નીથી તેઓને એક પુત્રની પ્રાપ્તિ થઈ હતી. ગત બુધવારે પિયુષભાઈ નિત્યક્રમ મુજબ થામણા ગામે આવેલી તેમની દુકાને ગયા હતા. દરમિયાન તેમની ૩૬ વર્ષીય પત્નીએ ઘર કંકાસને લઈ પોતાના ચાર વર્ષીય પુત્ર વ્રજને ઝેરી દવા પીવડાવ્યા બાદ પોતે પણ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. બપોરના સુમારે પિયુષભાઈ ઘરે આવતા તેઓએ પત્ની ધરતીબેનની હાલત નાજુક અને પુત્ર મૃત હાલતમાં જોયા હતા. જેથી તેઓએ તુરંત જ ૧૦૮ને ફોન કરતા ૧૦૮ની ટીમ તથા ઉમરેઠ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી.
ધરતીબેનને સારવાર અર્થે તુરંત જ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે ઉમરેઠ પોલીસે પિયુષભાઈ દરજીની ફરિયાદના આધારે પત્ની વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. જો કે ધરતીબેનનું આજે સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.