ટંકારાના વાછકપર ગામે માતા, પુત્ર અને પુત્રીએ ઝેર પીધું, પુત્રનું મોત

માતા તથા પુત્રી સારવાર હેઠળ દંપતી વચ્ચે રૂપિયા બાબતે બોલાચાલી થતાં લાગી આવવાથી પત્નીએ દવા પીધી : જે જોઇને બન્ને સંતાનોએ પણ દવા ગટગટાવી
મોરબી, : ટંકારા તાલુકાના વાછકપર ગામે રહેતા પતિ તથા પત્ની વચ્ચે રૂપિયા બાબતે બોલાચાલી થતાં લાગી આવતા પત્નીએ ઝેરી દવા પીધી હતી. તે જોઇને તેના 15 વર્ષીય પુત્ર અને 13 વર્ષીય પુત્રીએ પણ ઝેરી દવા પી લીધી હતી. ત્રણેયને સારવાર અર્થે ખસેડાયા હતાં. પરંતુ પુત્રએ રાજકોટ ખાતે સારવાર દરમિયાન દમ તોડી દેતા અરેરાટી વ્યાપી હતી.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ ટંકારા તાલુકાના વાછકપર ગામે રહેતા હીરાલાલભાઈ સાકરીયા અને તેમના પત્ની કૃપાલીબેન સાકરીયા વચ્ચે રૂપિયા બાબતે બોલાચાલી થતા મનમાં લાગી આવતા કૃપાલીબેને તા. 23 ઓગસ્ટના રોજ ઝેરી દવા પી લીધી હતી. માતાને દવા પીતા જોઇને તેમના પુત્ર હરદેવ હીરાલાલભાઇ સાકરીયા (ઉ.વ. 15) અને પુત્રી આરવી હીરાલાલભાઈ સાકરીયા (ઉ.વ. 13)એ પણ ઝેરી દવા પી લીધી હતી.
માતા, પુત્ર, પુત્રીએ ઝેરી દવા પી લેતા ત્રણેયને સારવાર માટે ખસેડાયા હતાં. દરમિયાન હરદેવ (ઉ.વ. 15)નું રાજકોટ ખાતે સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા અરેરાટી વ્યાપી છે. જ્યારે માતા અને પુત્રી હાલમાં સારવાર હેઠળ છે. બનાવ અંગે ટંકારા પોલીસે તપાસ હાથ ધરી છે.








