Get The App

3 વર્ષના માસૂમને ઝેર આપી હત્યા કરનાર સગી માતા અને પ્રેમીને જન્મટીપની સજા, ભદ્ર કોર્ટનો ચુકાદો

Updated: Oct 3rd, 2025

GS TEAM

Google News
Google News
3 વર્ષના માસૂમને ઝેર આપી હત્યા કરનાર સગી માતા અને પ્રેમીને જન્મટીપની સજા, ભદ્ર કોર્ટનો ચુકાદો 1 - image


Ahmedabad News: અમદાવાદના નરોડા વિસ્તારમાં માત્ર ત્રણ વર્ષના માસૂમ પુત્રને ઝેર આપી હત્યા કરવાના અને મૃતદેહને દાટી દેવાના અત્યંત ચકચારભર્યા કેસમાં અમદાવાદની સેશન્સ કોર્ટે એક મહત્ત્વનો અને દાખલારૂપ ચુકાદો આપ્યો હતો. પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ હેમાંગ આર. રાવલે પોતાના જ પુત્રની હત્યા કરનાર સગી જનેતા જ્યોતિબેન ઉર્ફે સંધ્યા પરમાર અને તેના પ્રેમી ભૂપેન્દ્ર ઉર્ફે ભરત પરમારને આજીવન કેદ (જન્મટીપ)ની આકરી સજા ફટકારી હતી.

જઘન્ય અપરાધ પર કોર્ટનું અવલોકન

ભદ્ર કોર્ટે 94 પાનાના પોતાના ચુકાદામાં આરોપી માતા અને પ્રેમીના જઘન્ય અપરાધની આલોચના કરી હતી. કોર્ટે નોંધ્યું કે, આરોપીઓએ પોતાના આડા સંબંધની લ્હાયમાં એક નિર્દોષ માસૂમ બાળકને દૂધમાં બિસ્કિટ સાથે કલોરપાયરીફોર્સ નામનું ઓર્ગેનોફોસ્ફરસ પ્રકારનું રાસાયણિક ઝેર ભેળવીને પીવડાવી દીધું, જેના કારણે તેનું કરૂણ મોત નિપજ્યું હતું. સમાજમાં આવા ગુનાઓમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે સમાજમાં દાખલો બેસાડવા માટે આરોપીઓને મહત્તમ સજા કરવી ન્યાયોચિત લેખાશે.

ગુનાનો ચોંકાવનારો ઘટનાક્રમ

શહેરના નરોડા વિસ્તારમાં શ્રીજી ટોલનાકા સામે રહેતા અજય પરમારના લગ્ન જ્યોતિ સાથે થયા હતા અને તેમને ત્રણ વર્ષનો પુત્ર યુવી હતો. આ દરમિયાન પત્ની જ્યોતિને પાલનપુરમાં રહેતા આરોપી ભૂપેન્દ્ર ઉર્ફે ભરત પરમાર સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. વર્ષ 2021ના રોજ જ્યોતિ પુત્ર યુવીને તાવ આવતો હોવાના બહાને સિવિલ હોસ્પિટલ લઈ ગઈ હતી. પરંતુ તે નજીકમાં આવેલા નાગેશ્વર ગેસ્ટહાઉસમાં ભૂપેન્દ્ર ઉર્ફે ભરત પરમાર સાથે રોકાઈ હતી. જ્યાં આડા સંબંધમાં નડતરરૂપ પુત્ર યુવીને હટાવવાના ઇરાદે યોજના મુજબ, ભૂપેન્દ્રએ દૂધ અને બિસ્કિટમાં ઝેર ભેળવીને યુવીને પીવડાવી દીધું. ઝેર પીધા બાદ યુવી બેભાન થઈ ગયો હતો અને તેનું કરૂણ મૃત્યુ થયું હતું.

સમગ્ર ઘટનાનો પર્દાફાશ કેવી રીતે થયો?

શરૂઆતમાં આ ઘટના કુદરતી મૃત્યુ જેવી લાગી હતી, પરંતુ પરિવારજનોની શંકાના આધારે જ્યોતિએ કબૂલાત કરી હતી. મૃતક બાળકની લાશને તેના વતન વાગદા ખાતે દફન કરી દેવાઈ હતી. જોકે, હત્યાનો ઘટસ્ફોટ થતાં પોલીસે દાટી દેવાયેલી લાશને ફરી બહાર કઢાવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી હતી.

ત્યારબાદ FSL રિપોર્ટમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો કે, બાળકના લોહીમાં ક્લોરપાયરીફોર્સ નામનું (જે સામાન્ય રીતે ઉધઈ મારવાની દવામાં વપરાય છે) ખતરનાક રાસાયણિક ઝેર હતું. તબીબોએ આ ઝેરના કારણે જ યુવીનું મોત નિપજ્યું હોવાનું જણાવ્યું હતું.

સરકારપક્ષની દલીલો ગ્રાહ્ય 

સરકારપક્ષ તરફથી અધિક સરકારી વકીલ ભાવેશ એસ. પટેલ દ્વારા 18 સાક્ષીઓ અને 28 દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. તેમણે આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણીને આરોપીઓને ફાંસીની સજા ફટકારવા અદાલત સમક્ષ માંગણી કરી હતી. જોકે, સરકારપક્ષની દલીલો ગ્રાહ્ય રાખીને પ્રિન્સિપાલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ હેમાંગ આર. રાવલે હત્યારી માતા જ્યોતિ પરમાર અને તેના પ્રેમી ભરત પરમારને જન્મટીપની આકરી સજા સંભળાવી હતી.


Tags :