અમદાવાદ: લાંભામાં ઘરેલુ ઝઘડામાં સાસુએ જમાઈને મોતને ઘાટ ઉતાર્યો, મહિલાની ધરપકડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News : અમદાવાદના લાંભામાં ઘરેલુ ઝઘડામાં જમાઈની હત્યા કરવાના આરોપમાં શુક્રવારે વહેલી સવારે નારોલ પોલીસે 55 વર્ષીય મહિલાની ધરપકડ કરી છે. આરોપીની ઓળખ દિનાબેન જગદીશભાઈ વેગડા તરીકે થઈ છે. આરોપી મહિલાએ કથિત રીતે તેના જમાઈ પરેશભાઈ લાલજીભાઈ તડવી (ઉં.વ.27) પર ઈંટ-લાકડીથી હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો.
ઘરેલુ ઝઘડામાં સાસુએ જમાઈને મોતને ઘાટ ઉતાર્યો
પરેશની પત્ની અંજલી તડવી દ્વારા નોંધાવવામાં આવેલી FIR અનુસાર, આ ઘટના શુક્રવારે (17 ઓક્ટોબર, 2025) રાત્રે 10:30 વાગ્યાની આસપાસ લાંભાના ઈન્દિરાનગરમાં દિનાબેનના ઘરે બની હતી. ફરિયાદમાં જણાવાયું છે કે, પરેશ તેના મિત્ર જીગ્નેશ ઉર્ફે ગોગો બલદેવભાઈ શ્રીમાળી સાથે ઘરે આવ્યો હતો અને સાસુને કહ્યું હતું કે, 'અંજલીને અહીં કેમ રાખી છે, તેને તેના ઘરે પાછી મોકલવાની ના કેમ પાડો છો.'
આ દરમિયાન પરેશ અને દિનાબેન વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં પરેશ કથિત રીતે સાસુ સાથે દુર્વ્યવહાર કરતો હતો અને હથિયાર લઈને હુમલો કરવાનો પ્રયાસ કરતો હતો. તેવામાં સાસુ દિનાબેને નજીકમાં પડેલી એક ઈંટ ઉપાડી જમાઈના માથા પર માર્યો હતો. પરેશ જમીન પર પડી જતાં, સાસુએ જમાઈના પગ, કાંડા અને માથા પર લાકડીથી ફરીથી માર માર્યો હતો.
સમગ્ર ઘટનાને લઈને અંજલીએ 108 એમ્બ્યુલન્સને જાણ કરીને પતિને સારવાર માટે પહેલા એલ.જી. હોસ્પિટલ લઈ ગયા હતા, બાદમાં સિવિલ હોસ્પિટલ, અસારવા રિફર કરવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડૉક્ટરે પરેશને શનિવારે (18 ઓક્ટોબર) સવારે 2:45 વાગ્યાની આસપાસ મૃત જાહેર કર્યો હતો.
પત્નીએ શું કહ્યું?
મૃતકની પત્ની અંજલીએ પોલીસને જણાવ્યું હતું કે, 'ડિસેમ્બર 2019થી પરેશ સાથે મારા લગ્ન થયા હતા અને અમને કોઈ સંતાન નથી. લગ્નજીવનમાં ઝઘડા થતાં અમે રાજપીપળાના અંકલેશ્વર સ્થિત પરેશના વતન ગામથી પાછા આવ્યા હતા. છેલ્લા અઠવાડિયાથી પરેશ મારી સાથે ઝઘડો કરતા હતા અને ઘટનાને દિવસે તે મારા માતાના ઘરે આવ્યા હતા.'
આ પણ વાંચો: સાબરકાંઠા જૂથ અથડામણઃ પોલીસે 60 લોકો સામે નામજોગ ગુનો દાખલ કરી 20ની કરી અટકાયત
નારોલ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, મૃતકે તેની સાસુ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ઝઘડો હિંસક બન્યો હતો. ગભરાટમાં સાસુએ પ્રહાર કરતાં જમાઈને જીવલેણ ઇજાઓ પહોંચી હતી. અમે ઘટનાસ્થળે હાજર લોકોના નિવેદન લીધા છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે. સમગ્ર મામલે ગુનો નોંધીને આરોપી મહિલાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.








