Get The App

પતિએ શંકા કરતાં ખુદ માતાએ જ 2 વર્ષના પુત્રને કૂવામાં ફેંકી દીધો

Updated: Mar 31st, 2025

GS TEAM

Google News
Google News
પતિએ શંકા કરતાં ખુદ માતાએ જ 2 વર્ષના પુત્રને કૂવામાં ફેંકી દીધો 1 - image


રાજકોટ નજીકના બેટી ગામમાં કૂવામાંથી બાળકની લાશ મળ્યાનો ભેદ ઉકેલાયો : માતાએ બાળક પ્રેમીનું હોવાનું કબૂલી લઇ તેને બાળક આપવા જતી હોવાનું કહી બાળકને કૂવામાં ફેંકી દીધું હતું

રાજકોટ, : રાજકોટ નજીકના બેટી રામપરા ગામે આવેલી વાડીના કૂવામાંથી અંદાજે  સવા મહિના પહેલા બે વર્ષના બાળકની લાશ મળી આવી હતી. જેનો પોલીસે ભેદ ઉકેલી લીધો છે. આ બાળકને ખુદ તેની માતાએ જ કૂવામાં ફેંકી દીધું હતું. પતિ બાળક પ્રેમીનું હોવાની સતત શંકા કરતો હોવાથી આવેશમાં આવી માતાએ નિષ્ઠુર બની આ કૃત્ય કર્યું હતું. એરપોર્ટ પોલીસે ખૂનનો ગુનો દાખલ કરી આરોપી માતાની ધરપકડ કરી છે. ગઇ તા. ૨૩ ફેબુ્રઆરીના રોજ બેટી રામપરા ગામે આવેલી જયેશ બાંભણીયાની વાડીના કૂવામાંથી અંદાજે બે વર્ષના બાળકની લાશ મળી આવી હતી. એરપોર્ટ પોલીસે ફોરેન્સિક નિષ્ણાંત તબીબો પાસે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. પરંતુ બાળકનું મોત ખરેખર કઇ રીતે થયું તે વિશે કોઇ ચોક્કસ કારણ જાણવા મળ્યું ન હતું. જેથી અકસ્માતે મોતની નોંધ કરી, બાળકના વાલી-વારસની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ વાલી-વારસો મળ્યા ન હતાં.

બીજી તરફ આજી ડેમ ચોકડી પાસેના ભારતનગર શેરી નં. 12માં રહેતી ભાવુ રણછોડ કીહલા નામની પરિણીતા ગઇકાલે પિયર પક્ષના  સભ્યો સાથે થોરાળા પોલીસ મથકમાં પહોંચી હતી અને તેણે પોતાના બે વર્ષના બાળક આર્યનને પતિએ મારી નાખ્યાની રજૂઆત કરી હતી. જેથી થોરાળા પોલીસે તત્કાળ પતિ રણછોડ ઘુઘાભાઈ કીહલા (ઉ.વ. 27)ને બોલાવી તેની આકરી પૂછપરછ શરૂ કરી હતી.  તે સાથે જ ભાવુ ભાંગી પડી હતી અને તેણે જ પુત્ર આર્યનને પોતે જ બેટી રામપરા ગામે આવેલા કૂવામાં ગઇ તા. 23 ફેબુ્રઆરીના રોજ ફેંકી દીધાની કબૂલાત આપી હતી.

જેના આધારે ભાવુને થોરાળા પોલીસે એરપોર્ટ પોલીસને સોંપી દીધી હતી. જેણે તેના પતિ રણછોડની પૂછપરછ કરતાં તેણે સીલસીલાબંધ હકીકતો જણાવી હતી. તેણે પોલીસને કહ્યું કે પાંચેક વર્ષ પહેલાં થાનના ખાખડાથર ગામની ભાવુ સાથે તેના લગ્ન થયા હતાં. દાંપત્યજીવન દરમિયાન પુત્રી આશા (ઉ.વ.૩) અને પુત્ર  આર્યન (ઉ.વ.૨)ની પ્રાપ્તિ થઇ હતી.  બીજી વખત તેની પત્ની ગર્ભવતી થઇ ત્યારે તેણે પુછ્યું કે આ પેટમાં છોકરું કોનું છે. જેની સામે તેની પત્નીએ કહ્યું કે આ છોકરુ હું જેને પ્રેમ કરું છું તેનું છે. 

થોડા દિવસો બાદ તે સાસરે ગયો હતો. જ્યાં તેની પત્ની સાથે જેને લફરુ હતું તે ગભરૂ કાળોતરા પણ આવ્યો હતો. જેની સાથે સમાધાન થઇ જતાં પત્ની અને બાળકોને લઇને ઘરે પાછો આવી ગયો હતો. જો કે આ પછી પણ તેને પત્ની ઉપર શંકા રહેતી હતી. તે સતત પત્નીને કહેતો કે આ છોકરો મારો નથી, કહે કોનો છોકરો છે. દોઢેક માસ પહેલા તેની પત્નીએ તેને કહ્યું કે આ છોકરો તમારો નથી, પરંતુ ગભરૂનો છે, હું તેને આપવા જાઉં છું.  તેમ કહી પુત્ર આર્યનને લઇને સવારે ઘરેથી નીકળી ગઇ હતી. તે દિવસે મોડી સાંજે ઘરે પરત આવી સૌથી પહેલાં ભગવાન પાસે દીવા કર્યા હતાં. બાદમાં તેણે કહ્યું કે જેનો છોકરો હતો તેને મેં આપી દીધો છે, હવે હું કોઇની સાથે લફરુ નહીં કરું, બીજી વાર આવી ભૂલ નહીં કરું. તે વખતે તેને પત્ની સાચુ બોલતી હશે અને છોકરો જેનો હતો તેને આપી દીધો હશે તેમ લાગ્યું હતું.  આ ઘટનાક્રમ બાદ તેની પત્ની તેની સાથે સરખી રીતે રહેવા લાગી હતી. જેથી તેને પણ હવે શંકા રહી ન હતી. આ સમય દરમિયાન તેની પત્ની પિયર પણ જતી ન હતી. ગઇ તા. 27  માર્ચનાં રોજ તેની પત્ની પિયર ગઇ હતી. તેના ભાઈ ગોપાલના ઘરે બીજી પુત્રીનો જન્મ થતાં તેણે પત્નીને કોલ કરી છઠ્ઠીના દિવસે આવી જવાનું કહ્યું હતું. આ પછી ગઇકાલે થોરાળા પોલીસે તેની પૂછપરછ કરી હતી. જે દરમિયાન તેની પત્નીએ પુત્રને કૂવામાં ફેંકી દીધાની કબૂલાત આપી હતી.  એરપોર્ટ પોલીસે રણછોડની ફરિયાદના આધારે તેની પત્ની સામે ખૂનનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. 

Tags :