તોફાન કરતાં પુત્રને ડરાવવા માટે માતાએ ત્રીજા માળેથી નીચે લટકાવ્યો
રાજકોટના ગોકુલધામ આવાસ યોજનાની ઘટના
વીડિયો જોઈ લોકો સ્તબ્ધઃ પિતાએ બાળકને બચાવ્યું, માતાનું પોલીસે નિવેદન નોંધ્યું
રાજકોટ: રાજકોટના ગોકુલધામ આવાસ યોજનાના કવાર્ટરમાં ત્રીજા માળની અગાસી ઉપર જઈ એક મહિલાએ પુત્રના પગ પકડી તેને ઊંધો લટકાવ્યાનો વીડિયો વાયરલ થતાં લોકો સ્તબ્ધ થઈ ગયા હતા.
આ વાયરલ વીડિયોના આધારે માલવીયાનગર પોલીસે સંધ્યાબેન નામની ૩૦ વર્ષની મહિલાનું નિવેદન લીધું હતું. જેમાં તેણે જણાવ્યું કે તેને ચાર વર્ષનો એકલૌતો પુત્ર છે. તે પહેલા માળે રહે છે. તેનો પુત્ર પહેલા માળેથી લીંબુડી લઈ નીચે રમતાં બાળકો તરફ ફેંકતો હતો. જેથી તે બાળકોને વાગતું હતું. પરિણામે તેને ફરિયાદ મળતાં પુત્રને સમજાવ્યો હતો. પરંતુ તે સમજતો ન હતો અને તોફાન ચાલુ રાખ્યા હતા.
આ સ્થિતિમાં તેણે પુત્રને ડરાવવા ત્રીજા માળની અગાસી ઉપર જઈ તેના પગ પકડી ઊંધો લટકાવ્યો હતો. પોલીસે જણાવ્યું કે સંધ્યાબેનને ત્યાં જ રહેતી તેની કૌટુંબિક દેરાણીએ તેના પુત્ર વિશે ફરિયાદ કરી હતી. જેથી તેની કૌટુંબિક દેરાણીનું પણ નિવેદન લેવાયું છે. જેમાં તેણે સંધ્યાબેને જણાવેલી હકિકતોને સમર્થન આપ્યું છે. જે જોતાં તેનો ઈરાદો બાળકને નીચે ફેંકવાનો નહીં હોવાનું જણાય છે.
મૂળ ઉત્તર પ્રદેશની વતની સંધ્યાબેને જયારે પોતાના પુત્રને ઊંધો લટકાવ્યો ત્યારે તે દ્રશ્યો જોનાર લોકો ચીસો પાડી ઉઠયા હતા. જે સાંભળી તેનો પતિ ત્રીજા માળની અગાસી ઉપર પહોંચ્યો હતો અને તેણે પોતાના પુત્રને ખેંચી બચાવી લીધો હતો. ગઈકાલે મોડી સાંજની આ ઘટના હોવાનું પણ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.
શરૂઆતમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં આ બનાવ બન્યાની વાતો વહેતી થઈ હતી.