કઠલાલ ઓવરબ્રિજ પાસે ટ્રકની ટક્કરે રિક્ષામાં સવાર માતા, પુત્રીના મોત
- અમદાવાદ ઈન્દોર હાઈવે ઉપર
- મીનાવાડા દર્શને જતા ગળતેશ્વરના બળેવિયાના દર્શનાર્થીઓને અકસ્માત : 4 મહિલા, 3 બાળકોનો બચાવ
ગળતેશ્વર તાલુકાના બળેવિયા ગામના રહીશો મીનાવાડા દશા માતાના મંદિરે રીક્ષા લઈને આવી રહ્યા હતા. ત્યારે અમદાવાદ ઈન્દોર હાઈવે ઉપર કઠલાલ ઓવરબ્રિજ પાસે બાલાસિનોર તરફથી ટ્રકે પૂરઝડપે હંકારી કાબુ ગુમાવતા હાઇવે પર જઇ રહેલી રીક્ષાને અડફેટમાં લીધી હતી. અકસ્માતમાં લક્ષ્મીબેન નરેશભાઈ ખાંટ (ઉં.વ.૨૭), નિધીબેન નરેશભાઈ ખાંટ (ઉં.વ.૩) બંને માતા, પુત્રીનું સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું. અકસ્માતમાં પાંચ વર્ષની બાળકીએ નાનીબેન અને માતાની છત્રછાયા ગુમાવતા ગમગીનિ છવાઈ ગઈ હતી. મૃતક માતા, પુત્રીને પી.એમ માટે કઠલાલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ટ્રકનો ડ્રાઇવર થોડે દૂર ટ્રક મૂકીને ભાગી ગયો હતો.
કઠલાલ પોલીસે સ્થળ ઉપરથી ટ્રકને જપ્ત કરી હતી. અકસ્માતમાં અન્ય ચાર મહિલાઓ અને ત્રણ બાળકો સદ્નસીબે બચી ગયા છે. આગળની કાર્યવાહી કઠલાલ પોલીસ કરી રહી છે.