ખેતરમાં બોરની ઓરડીએ સ્વીચ ચાલુ કરવા જતાં ખૂલ્લો વાયર અડી જતા કરૂણાંતિકા
બે વર્ષની પુત્રીને તેડીને માતા સ્વીચ ચાલુ કરવા ગઈ અને કરન્ટ લાગ્યો : બૂમો પાડતા જોઈ આઠ વર્ષનો પુત્ર માતાને વળગી પડયો : સાસુને ઈજા થતા સારવાર હેઠળ
ઠાસરા તાલુકાના આગરવા તાબે મહારાજના મુવાડામાં મહેન્દ્રભાઈ ઉર્ફે મૌલિકભાઈ મહેન્દ્રભાઈ પરમારનું ખેતર આવેલું છે. ગુરૂવારે સવારે ૮.૪૫ના અરસામાં મૌલિકભાઈ મહેન્દ્રભાઈ ઘરે હાજર ન હતા. ખેતરમાં પાણી પહોંચાડવા માટે બોરની મોટર માટે ઓરડી બનાવી છે. બોરની મોટર શરૂ કરવા માટે મૌલિકભાઈના પત્ની ગીતાબહેન મૌલિકભાઈ પરમાર (ઉં.વ.૩૯) સ્વીચ ચાલુ કરવા ગયા હતા. ત્યારે વીજ વાયર ખૂલ્લો થઈ ગયો હોવાથી હેવી વૉલ્ટનો વીજ કરન્ટ ગીતાબહેનને લાગ્યો હતો. સાથે સાથે તેમણે કડમાં તેડેલી બે વર્ષની તેમની નાની દીકરી મીરાબેનને વીજ કરન્ટ લાગ્યો હતો. મા અને દીકરીને કરન્ટ લાગતા ગીતાબહેને બૂમાબૂમ કરી હતી. અવાજ સાંભળીને દોડી આવેલો આંઠ વર્ષનો પુત્ર દક્ષેશ બૂમો પાડતી માતાને વળગી પડયો હતો. જેથી માતા સાથે બંને સંતાનો વીજ કરન્ટના ઝટકાંમાં સપડાઈ ગયા હતા. બૂમાબૂમ અને અવાજ સાંભળી નજીકમાં કામ કરી રહેલા મૌલિકભાઈના માતા લીલાબેન મહેન્દ્રભાઈ પરમાર (ઉં.વ.૫૬) દોડી આવ્યા હતા. પૌત્ર, પૌત્રી અને પુત્રવધૂને વીજ કરન્ટના ઝટકાં ખાતા જોઈ નજીકમાં પડેલી લાકડીના ફટકાંથી ત્રણેવને છોડાવ્યા હતા. પરંતુ માતા સહિત બંને સંતાનોના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા. લાકડી હાથમાંથી છૂટી જતા લીલાબહેનને પણ કરન્ટ લાગતા ઈજાઓ થઈ હતી. જાણ થતાં બનાવના સ્થળે ગ્રામજનોના ટોળા ઉમટયા હતા.
ડાકોર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ૧૦૮ મારફતે ઈજાગ્રસ્ત લીલાબહેનને સારવાર અર્થે ડાકોર સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં દાખલ કરવા સાથે ત્રણે મૃતકોના મૃતદેહને પીએમ અર્થે મોકલાયા હતા. લગ્નસરાની મોસમમાં કરૂણાંતિકા બનતા ઠાસરા પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.


