ગાંધીનગર નજીક આવેલા પ્રભુપુરામાં બે વર્ષ અગાઉ
ગાંધીનગર સેશન્સ કોર્ટનો ચુકાદો ઃ બંને આરોપીઓને ૫ હજાર રૃપિયાનો દંડ ઃ હુમલો કરવા માતાએ પુત્રને ઉશ્કેર્યો
ગાંધીનગર : ગાંધીનગરના પ્રભુપુરા ગામે બાઇક ઝડપથી ચલાવવા બાબતે ઠપકો આપવા જેવી સામાન્ય બાબતમાં યુવાનની ક્રતાપૂર્વક હત્યા કરવાના કેસમાં કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. ચોથા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે આ કેસમાં સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી પુત્ર અને ઉશ્કેરણી કરનાર માતા એમ બંનેને આજીવન કેદની સખત સજા અને દંડ ફટકાર્યો છે.
આ કેસની મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર નજીક આવેલા પ્રભુપુરા ગામમાં ગત ૨૮ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ બપોરના સમયે સંજય રતિલાલ સોલંકી તેનું બાઈક અત્યંત ઝડપી રીતે ચલાવી રહ્યો હતો. જેના પગલે ગામમાં રહેતા ભરતજી ઠાકોરે તેને બાઇક ધીમે ચલાવવા બાબતે ઠપકો આપ્યો હતો. આ વાતની અદાવત રાખી સંજય સોલંકીએ ભરતજીને છાતીના ભાગે ચપ્પાના ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે ગંભીર ઈજાઓ થવાથી તેમનું મૃત્યુ નીપજ્યું હતું. સંજયની માતા સુરતાબેન રતીલાલ સોલંકીએ ભરતજીની પત્નીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને પોતાના પુત્ર સંજયને માર માર કહી ઉશ્કેરીને મદદગારી કરી હતી. આ અંગે ડભોડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ કેસ ગાંધીનગરના ચોથા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ પી.એમ ઉનડકટની કોર્ટમાં ચાલ્યો હતો. ગુનાની સંપૂર્ણ તપાસ કરીને તત્કાલીન પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એસ રાણા દ્વારા ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું. જ્યાં સરકારી વકીલ પ્રિતેશ ડી. વ્યાસ દ્વારા સાક્ષીઓ અને તપાસ અધિકારીની જુબાનીઓ તપાસી ધારદાર દલીલો કરી હતી. સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, આરોપી સંજયે અત્યંત ક્રતાપૂર્વક લિવર સુધી ચપ્પુ હુલાવીને હત્યા કરી છે. સમાજમાં આવા કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે દાખલો બેસે તેવી સજા કરવાની માંગ તેમણે કરી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો અને પુરાવાઓને ધ્યાને રાખી આરોપી સંજય રતિલાલ સોલંકી અને તેની માતા સુરતાબેન સોલંકીને આજીવન કેદની સજા અને પાંચ હજાર રૃપિયાનો દંડ ફટકાર્યો હતો.


