Gujarat

પુત્રીને ઠપકો આપ્યા બાદ મકરપુરામાં ૩૩ વર્ષની માતાએ રૃમમાં ફાંસો ખાઇ આપઘાત કર્યો

By GS TEAM
18 Jun 20251 min read
પુત્રીને ઠપકો આપ્યા બાદ  મકરપુરામાં ૩૩ વર્ષની માતાએ રૃમમાં ફાંસો ખાઇ આપઘાત કર્યો

વડોદરા, તા.18 વડોદરા શહેરમાં ગળા ફાંસો ખાઇ તેમજ ઝેરી દવા પીને આત્મહત્યા કરવાના ત્રણ બનાવોમાં એક પરિણીતા સહિત ત્રણના મોત નિપજ્યા હતાં.

પ્રાપ્ત માહિતી મુજબ શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલ આત્મીય ફ્લેટમાં રહેતી શ્વેતા કુમારી (ઉ.વ.૩૩) એક વર્ષ પહેલાં જ પતિ અને સંતાનો સાથે રહેવા માટે આવી હતી. ગઇકાલે રાત્રે ૯ વર્ષની પુત્રી રમીને ઘેર આવ્યા બાદ શ્વેતાકુમારીએ પુત્રીને ઠપકો આપ્યો હતો. બાદમાં પુત્રીએ તુમ સબસે મેં તંગ આ ગઇ હું તેમ કહ્યા બાદ શ્વેતા રૃમમાં જતી રહી હતી. ૧૫-૨૦ મિનિટ સુધી શ્વેતા રૃમમાંથી બહાર નહી નીકળતા પતિએ તપાસ કરતાં શ્વેતાએ ગળા ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું.

અન્ય બનાવમાં ન્યુ વીઆઇપીરોડ પર ખોડિયારનગરમાં રહેતા હસમુખ મગનભાઇ મકવાણા (ઉ.વ.૫૦) રિક્ષા ચલાવતા હતાં. ગઇકાલે તેઓ ડભોઇ વર્ધીમાં જઉં છું તેમ કહી રિક્ષા લઇને નીકળ્યા હતાં. બાદમાં તેઓ સરદાર એસ્ટેટરોડ પર જીઇબી ઓફિસની સામે રોડ પર ઝેરી દવા પીધેલી હાલતમાં મળતાં સયાજી હોસ્પિટલમાં લઇ જવાયા હતા જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.

આ ઉપરાંત બિલ ગામમાં પરમાર ફળિયામાં રહેતો ૩૨ વર્ષનો નિર્મલ રતિલાલ પરમાર હૃદયની બીમારીથી છેલ્લા એક વર્ષથી પીડાતો હતો. આજે બપોરે તેણે ઘરમાં પંખા પર સાડી વડે ફાંસો ખાતા તેનો ભાઇ જોઇ ગયો હતો અને નિર્મલને નીચે ઉતારી સયાજી હોસ્પિટલમાં ખસેડતા ફરજ પરના તબીબોએ તેનું મોત નિપજ્યું  હોવાનું જાહેર કર્યુ હતું.