Get The App

સુરતમાં કહેવાતા 28 લેક ગાર્ડન પૈકી મોટાભાગના ગાર્ડનમાં પાણી દેખાતું નથી

મ્યુનિ.એ સ્વીકાર્યું કલાપી ગાર્ડનમાં તળાવમાં ગંદકીને લીધે દુર્ગંધ આવે છે

Updated: Jan 2nd, 2023

GS TEAM

Google News
Google News
સુરતમાં કહેવાતા 28 લેક ગાર્ડન પૈકી મોટાભાગના ગાર્ડનમાં પાણી દેખાતું નથી 1 - image


પાલિકાના કલાપી અને પાલ ગાર્ડનની મુલાકાત બાદ મેયરે તમામ  ગાર્ડનની સ્થિતિ જાણવા આજે એક બેઠક બોલાવી

         સુરત

સુરત મ્યુનિ. પર્યાવરણની જાળવણી અને જળ સ્તર ઉંચા આવે તે માટે લાખો રૃપિયાના ખર્ચે બનાવેલા લેક ગાર્ડન હાલમાં પાણી વિનાના છે. લાખો રૃપિયાનો ધુમાડો છતાં પણ ગાર્ડન સુકાભઠ હોવાની વ્યાપક ફરિયાદ બાદ આજે મેયરે કેટલાક ગાર્ડનની મુલાકાત લઇ મંગળવારે ગાર્ડનની માહિતી મેળવવા તાકીદની બેઠક બોલાવી છે.

અડાજણ અને પાલ વિસ્તારમા આવેલા લેક ગાર્ડન માં અનેક સમસ્યા હોવાથી લોકોની વ્યાપક ફરિયાદ છે. આ વિસ્તારમાં જ્યારે ગાર્ડન ન હતા અને માત્ર તળાવ હતા ત્યારે તળાવમાં પાણીનો સંગ્રહ થતો હતો અને પાણી ઓછું થતું હતું પરંતુ તળાવ તદ્દન સુકાઈ જતું હોય તેવી સ્થિતિ ભાગ્યે જ આવતી હતી. જોકે, હાલમાં પાલિકાએ  લેકની આસપાસ ગાર્ડન ડેવલપ કરીને લેક ગાર્ડન બનાવ્યા છે  મોટા  ભાગના લેક ગાર્ડન માં લેક સુકાઈ ગયાં છે. 

આજે મેયર હેમાલી બોઘાવાલાએ ઝોન અને ગાર્ડન વિભાગના અધિકારીઓને સાથે રાખી પાલ અને અડાજણના લેક ગાર્ડનની મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન એક-બે ગાર્ડન નહી 28 લેક ગાર્ડન પૈકી મોટાભાગના ગાર્ડનમાં પાણી રહેતું ન હોવાનું બહાર આવ્યું હતું. આસપાસના વિસ્તારમાં ખોદકામને લીધે આમ થયું હોવાની ચર્ચા છે. પણ જાણકારોના મતે  પહેલાં તળાવ હતા ત્યારે કુદરતી આકારમાં હતા. પણ મ્યુનિ.ગાર્ડન બનાવતી વેળા ખોદકામ કરતા પાણી જમીનમાં ઉતરી રહ્યું છે.

જ્યારે અડાજણના કલાપી ગાર્ડનમાં દુર્ગંધ ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાટને લીધે આવતી હોવાની સ્થાનિકોની ફરિયાદ છે. જોકે, મ્યુનિ. તંત્રએ જણાવ્યું કે, તળાવમાં ગંદકીને કારણે દુર્ગંધ આવી રહી છે.  દરમિયાન મેયરે  મંગળવારે ગાર્ડન  વિભાગહાઉસિંગ વિભાગ સહિતના ગાર્ડનની કામગીરી સાથે સંકળાયેલા વિભાગની તાકીદની બેઠક બોલાવી છે. 

Tags :