Gujarat

સ્કૂલોમાંથી મચ્છરોના બ્રિડીંગ મળી આવ્યાંઃ ૧૪ શૈક્ષણિક સંસ્થાને નોટિસ

By GS TEAM
3 Jul 20252 mins read
સ્કૂલોમાંથી મચ્છરોના બ્રિડીંગ મળી આવ્યાંઃ ૧૪ શૈક્ષણિક સંસ્થાને નોટિસ

કોર્પોરેશનની ૯૫ ટીમો દ્વારા મેલેરિયાલક્ષી સર્વે દરમિયાન

૧૭૬ સંસ્થામાં તપાસ કરાઇઃટાકાંચકલોડિયાકુંડા,છજા- અગાસી,ફુવારા,રમતના સાધનો મચ્છરોના ઉત્પત્તિ સ્થાન

ગાંધીનગર :  ચોમાસાની સિઝનમાં મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં પ્રિ-મોન્સુન તેમજ મોન્સૂન એક્ટીવીટીના ભાગરૃપે મનપાના વિવિધ વિસ્તારોમાં આવેલી ૧૭૬ જેટલી શૈક્ષણિક સંસ્થાઓ શાળા, કોલેજો, હોસ્ટેલ્સ, પીજી  વગેરેમાં સઘન સર્વેલન્સ, સોર્સ રીડ્ક્ષન તેમજ પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવી હતી.

વરસાદના પ્રથમ રાઉન્ડ બાદ ગાંધીનગર કોર્પોરેશનના કમિશ્નર, આરોગ્ય અધિકારી તથા મેલેરિયા અધિકારીની આગેવાની હેઠળ આરોગ્યની કુલ ૯૫ ટીમો દ્વારા વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે શાળા/કોલેજ પરિસરમાં મચ્છર સંક્રમણ માટે સંભવિત સ્થાનો જેવા કે અગાસી પર ભરાયેલ પાણી ઉપરાંત ૧૪૩ ટાંકાઓ, પરિસરમાં રહેલા પાણીના ફુવારા, પક્ષીના કુંડાઓ, છોડના કુંડાઓ જેવા મેદાનમાં રમતગમતના સાધનોની તપાસ કરવામાં આવી હતી.

અગાસી પર જમા થયેલા કચરાને કારણે પાણીનો જમાવડો થતા અમુક શાળાઓમાં મચ્છરનું બ્રીડીંગ મળી આવ્યું હતું. કુલ ૧૪ સંસ્થાઓમાં મચ્છરોના પોરા મળી આવ્યા હતા જેમાં આરાધનાવિદ્યા વિહાર સેક્ટર-૨૮, વસંતકુવરબા સ્કૂલ સેકટર-૨૮, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ કેમ્પસ સેક્ટર - ૨૩, ગવર્મેન્ટ કુમાર છાત્રાલય વાવોલ, સિદ્ધાર્થ સ્કૂલ વાવોલ, આદર્શ નિવાસી સ્કૂલ વાવોલ, ગવર્મેન્ટ પ્રાઇમરિ સ્કૂલ સેક્ટર- ૧૩, સ્વામી વિવેકાનંદ પ્રાઇમરિ સ્કૂલ સેકટર ૨૪, ગવર્મેન્ટ પ્રાઇમરિ સ્કૂલ -૧ તથા ૨, સિવિલ હોસ્પિટલ કેન્ટીન , સ્વામિનારાયણ ધામ ઇન્ટરનેશનલ સ્કુલને મચ્છર સંક્રમણ થવા દેવા બદલ નોટીસ ફટકારવામાં આવી હતી.

અગાસીમાં ઓઇલ બોમ્બ બનાવી ફેંકાયાઃ૨૫૦કુંડા પણ દૂર કરાયા

કોર્પોરેશનની ટીમ દ્વારા કરવામાં આવેલા સર્વે દરમ્યાન જે જગ્યાએ મચ્છરોનું બ્રિડીંગ મળી આવ્યું હતું ત્યાં ટીમે જોડે રહીને પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. અગાસી પર ચડી ના શકાય તે જગ્યાઓએ ઓઈલ બોમ્બ બનાવી અગાસી પર જમા થયેલા પાણીમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. શાળા કોલેજ પરિસરમાં રહેલા પક્ષીઓના ૨૫૦થી વધુ કુંડા દુર કરવામાં આવ્યા હતા. વધુમાં ખાડા ખાબોચિયામાં જમા થતા ગંદા પાણીમાં ૯૦ લીટર જેટલા બળેલા ઓઈલનો છંટકાવ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓમાં મચ્છરજન્ય રોગો અંગે જાગૃતિ લાવવા માટે ત્રણ હજાર પત્રિકાઓ વહેચવામાં આવી હતી.