મચ્છરજન્ય ડેન્ગ્યૂએ માથું ઉંચક્યું સિવિલમાં સપ્તાહના ૮૮ દર્દીઓ

સતત વાદળછાયા વાતાવરણ અને ભેજવાળી આબોહવામાં
નવા સેક્ટરો,ન્યુ ગાંધીનગર ઉપરાંત ગિફ્ટસિટીમાં ડેન્ગ્યૂનો ચિંતાજનક વધારો ઃ રોગચાળો વકરવાની વકી
સતત વાદળછાયા અને ભેજવાળું વાતાવરણ મચ્છરો માટે ફેવરીટ માનવામાં
આવે છે તેવી સ્થિતિમાં છેલ્લા બે દિવસથી છુટાછવાયા વરસાદી ઝાપટાં પડે છે જેના કારણે
પણ મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે.લગભગ દરેક ઘરમાં મચ્છરોના લારવા અને મચ્છરો જોવા મળી
રહ્યા છે. જેના પગલે ગાંધીનગર શહેર અને જિલ્લામાં ડેન્ગ્યુ, મેલેરિયાના દર્દીઓ
પણ પ્રકાશમાં આવી રહ્યા છે. ગાંધીનગર શહેરના સેક્ટર-૩,૪,૬,૭ અને સે-૨૪ ઉપરાંત
ન્યુ ગાંધીનગરના સરગાસણ, કુડાસણ, વાવોલ સહિતના ગીચ
વસ્તી ધરાવતા વિસ્તારમાં પણ ડેન્ગ્યુના કેસ જોવા મળી રહ્યા છે. હાલની સ્થિતિમાં મેલેરિયા
કરતા ડેન્ગ્યુના કેસ વધુ મળી આવતા ગાંધીનગરના તબીબો પણ આશ્ચર્યમાં મુકાયા છે. એટલુ
જ નહીં, ગિફ્ટસિટીમાં
પણ ડેન્ગ્યુના કેસ હાલની સ્થિતિથી જ વધી રહ્યા છે જે ચિંતાજનક બાબત છે.
ગાંધીનગર સિવિલમાં ગત સપ્તાહ દરમિયાન સાત જ દિવસમાં
ડેન્ગ્યુના ૮૮ કેસ નોંધાયા છે. જેમાં બાળદર્દીઓનો પણ સમાવેશ થાય છે. ડેન્ગ્યુમાં
ખાસ કરીને પ્લેટલેટ ડાઉન થઇ જવાના કિસ્સા વધ્યા છે જેનાથી સાવચેતી રાખવા અને
સામાન્ય તાવમાં પણ તબીબની સલાહ પ્રમાણે ટેસ્ટ કરાવીને દવા લઇ લેવા જણાવવામાં
આવ્યું છે. આગામી દિવસોમાં મચ્છરજન્ય રોગચાળો ફેલાય નહીં તે માટે આરોગ્ય તંત્ર
દ્વારા તકેદારીના ભાગરૃપે અત્યારથી જ વિવિધ પગલા ભરવાનું શરુ કરી દેવું જોઇએ.
ત્યારે ઘર પાસે કે પક્ષીકુંજમાં પાણી ભરાઇ ન રહે અને મચ્છરો ઉત્પન્ન ન થાય તે માટે
ખાસ તકેદારી રાખવી નગરજનોની પણ નૈતિક ફરજ બની રહે છે.









