Get The App

છૂટા કરેલા મૌલાનાને બહાર નીકળવા કહેતાં મસ્જિદના ટ્રસ્ટીને માર માર્યો

Updated: Jul 19th, 2025

GS TEAM

Google News
Google News
છૂટા કરેલા મૌલાનાને બહાર નીકળવા કહેતાં મસ્જિદના ટ્રસ્ટીને માર માર્યો 1 - image


જૂનાગઢના ખ્વાજાનગરમાં આવેલી મસ્જિદમાં માથાકૂટ : મસ્જિદના ટ્રસ્ટીના પૌત્રનો મોબાઈલ ઝૂંટવી લઈ 'હવે આવીશ તો સારાવાટ નહિ રહે' એવી ધમકી આપી

જૂનાગઢ, : જૂનાગઢના ખ્વાજાનગરમાં મસ્જીદના ટ્રસ્ટીએ અગાઉ મૌલાનાને છૂટો કરી દીધો હતો. તે મસ્જીદમાં આવતા ટ્રસ્ટીએ જતા રહેવા કહ્યું હતું. આથી છ શખ્સોએ વૃધ્ધ ટ્રસ્ટીને માર મારી તેના પૌત્રનો મોબાઈલ ઝૂંટવી લઈ હવે મસ્જીદમાં આવીશ તો સારાવાટ નહિ રહે એવી ધમકી આપી હતી.

આ અંગેની વધુ વિગત મુજબ શહેરના ખ્વાજાનગર વિસ્તારમાં રહેતા હાજીભાઈ અલીભાઈ ઠેબા (ઉ.વ. 68) ખ્વાજાનગરમાં આવેલી ગરીબ નવાઝ મસ્જીદના ટ્રસ્ટી છે. મસ્જીદમાં દોઢેક વર્ષથી મૌલાના તરીકે અહેમદ રજાની નિમણુંક કરવામાં આવી હતી. મૌલાના દ્વારા ફાળો ઉઘરાવવા તેમજ અજાણ્યા લોકોને પ્રવેશ આપવા જેવી પ્રવૃત્તિ થતા તે પસંદ ન હોવાથી ટ્રસ્ટી હાજીભાઈ ઠેબાએ મૌલાનાને અડધો પગાર ચુકવી છુટા કરવાની કાર્યવાહી કરી હતી.

મૌલાના એહમદ રજા મહંમદ હનીફને છૂટો કરવા છતાં તે તા. 14ના નમાઝમાં હોવાથી ટ્રસ્ટી હાજીભાઇએ તેને ચાલ્યા જવા કહ્યું હતું. આથી ત્યાં હાજર સલીમ હાજી સાંધે મૌલાનાને શું કામ કાઢો છો એમ કહી ટ્રસ્ટી હાજીભાઈનો કોલર પકડી અન્ય લોકોને આને ઉપાડી લ્યો એમ કહેતા ત્યાં હાજર નદીમ ઉમર સમાએ હાજીભાઈને લાફો માર્યો હતો. આરીફે કોલર પકડી બહાર કાઢી દાદા અલી સમાએ મૂઢ માર માર્યો હતો. મસ્જીદની બહાર કાળા ચકુ હતો તેણે ટ્રસ્ટી હાજીભાઈ ઠેબાને હવે તું મસ્જીદમાં પ્રવેશતો નહિ, હવે નવા ટ્રસ્ટની રચના કરી લેશું, હવે જો અહીં આવીશ તો સારાવાટ નહિ રહે એવી ધમકી આપી હતી. આ દરમ્યાન હાજીભાઈના પૌત્ર પાસેથી મોબાઈલ ઝૂંટવી લીધો હતો. ફોન પરત આપ્યો ન હતો. બાદમાં મસ્જીદ પાછળથી મોબાઈલ મળ્યો હતો. હાજીભાઈનો દુઃખાવો થતા સારવારમાં દાખલ થયા હતા. આજે હાજીભાઈ ઠેબાએ સલીમ હાજી સાંધ, નદીમ ઉંમર સમા, આરીફ નાથા સમા, દાદા અલી સમા, કાળા ચકુ ઠેબા અને હસન આમદ સમા સામે  ફરિયાદ થતા બી ડીવીઝન પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Tags :