Gujarat

નડિયાદના સંતરામ દેરી રોડ ઉપર છથી વધુ કાચા મકાનો જમીનદોસ્ત

By GS TEAM
26 Mar 20262 mins read
નડિયાદના સંતરામ દેરી રોડ ઉપર છથી વધુ કાચા મકાનો જમીનદોસ્ત

- સરકારી પ્લોટ પર ખડકાયેલા દબાણો પર તંત્રનો સપાટો

- પોલીસ બંદોબસ્ત સાથે દબાણ શાખા દ્વારા કાર્યવાહી : આગામી દિવસોમાં આ સ્થળે મેયરના નિવાસસ્થાનના નિર્માણની શક્યતા

નડિયાદ : નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા પોશ ગણાતા સંતરામ દેરી રોડ પર પ્રમુખ કુટીર બંગ્લોઝની સામે નગરપાલિકા માલિકીના પ્લોટ પર લાંબા સમયથી ખડકાયેલા દબાણો પર તંત્રએ આખરે સપાટો બોલાવ્યો છે. મનપાની દબાણ વિભાગની ટીમે પોલીસ પ્રોટેક્શન સાથે છથી વધુ કાચા મકાનો અને ગેરકાયદે અડ્ડાઓ તોડી પાડી લાખોની કિંમતનો પ્લોટ દબાણમુક્ત કરાવ્યો છે. આગામી દિવસોમાં આ સ્થળ પર મેયરના નિવાસસ્થાનનું નિર્માણ થવાની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.

નડિયાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સરકારી જમીનો પર થયેલા દબાણો હટાવવાની ઝુંબેશ તેજ કરવામાં આવી છે. જે અંતર્ગત પશ્ચિમ વિસ્તારમાં સંતરામ દેરી રોડ પર આવેલા કિંમતી પ્લોટ પર કેટલાક તત્વો દ્વારા કાચા મકાનો બનાવીને કાયમી વસવાટ કરવામાં આવતો હતો. આ દબાણોના કારણે સ્થાનિક રહીશોમાં પણ અસંતોષ હતો. પાલિકાની દબાણ શાખાની ટીમ બુધવારે વહેલી સવારે જેસીબી મશીનો અને ટ્રેક્ટરો સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિકોના વિરોધની ભીતિને પગલે અગાઉથી જ પોલીસ બંદોબસ્ત મેળવી લેવામાં આવ્યો હતો, જેના કારણે કોઈપણ વિઘ્ન વગર તમામ ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. 

પાલિકાના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ પ્લોટ નડિયાદના મેયરના સત્તાવાર બંગલા માટે ફાળવવામાં આવી શકે છે. અત્યાર સુધી પાલિકા પાસે મેયર માટે અલગ નિવાસસ્થાનની સુવિધા ઉપલબ્ધ નહોતી, જેથી આ સરકારી પ્લોટને ખાલી કરાવીને ત્યાં સુવિધાયુક્ત બંગલો બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. દબાણ હટાવવાની આ કામગીરી દરમિયાન પ્લોટ પર રહેતા લોકોએ પોતાનો સામાન ખસેડવા માટે સમય માંગ્યો હતો, પરંતુ તંત્રએ કડક વલણ અપનાવીને ગણતરીના કલાકોમાં જ આખી જગ્યા ચોખ્ખી કરી દીધી હતી.  

પાલિકાની માલિકીનો કિંમતી પ્લોટ સુરક્ષિત કરાયો

પ્રમુખ કુટીર સામેનો આ પ્લોટ બજાર કિંમત મુજબ કરોડો રૃપિયાનો હોવાનું મનાય છે. લાંબા સમયથી આ પ્લોટ બિનઉપયોગી હોવાથી ત્યાં અસામાજિક તત્વો અને શ્રમિકોએ ડેરા જમાવ્યા હતા. હવે આ પ્લોટની ફરતે ફેન્સિંગ કરીને તેને સુરક્ષિત કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે જેથી ફરીથી દબાણ ન થાય.