સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં 150 કરોડથી વધુનો સટ્ટો
- મુખ્યત્વે રાજકોટ, જામનગર, ભાવનગર મહાપાલિકાની ચૂંટણી પર દાવ
- રાજ્યની છ મહાપાલિકામાં ક્યા પક્ષને કેટલી બેઠકો મળશે તેના બુકીઓએ ભાવ ખોલ્યા
એકલા રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 75 કરોડથી વધુ સટ્ટો રમાવાનો અંદાજ
રાજકોટ, તા. 17 ફેબ્રૂઆરી 2021, બુધવાર
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર સટ્ટો રમાડવા બુકીઓ મેદાને ઉતર્યા છે. એકલા સૌરાષ્ટ્રમાં જ ૧૫૦ કરોડથી વધુનો સટ્ટો રમાય તેવો અંદાજ છે. આ સટ્ટો મુખ્યત્વે સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર અને ભાવનગર મહાપાલિકાની ચૂંટણી પર રમાઈ રહ્યો છે.
બુકી બજારના સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિધાનસભા અને લોકસભાની સાપેક્ષમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓછો સટ્ટો રમાતો હોય છે. વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં ક્યા પક્ષને કેટલી બેઠકો મળશે ઉપરાંત કઈ બેઠક ઉપરથી ક્યો ઉમેદવાર વિજેતા બનશે તેની ઉપર સટ્ટો રમાતો હોય છે.પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈ ઉમેદવારને બદલે ક્યો પક્ષ ચૂંટણી જીતશે, ક્યા પક્ષને કેટલી બેઠકો મળશે તે બાબતો પર મુખ્યત્વે સટ્ટો રમાતો હોય છે.
એકલા રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ૭૫ કરોડથી વધુ સટ્ટો રમાવાનો અંદાજ છે. આ જ રીતે જામનગર અને ભાવનગર મહાપાલિકાની ચૂંટણી પર પણ સટ્ટો રમાઈ રહ્યો છે. આ ત્રણેય શહેરોની મહાપાલિકાની ચૂંટણી પર અંદાજે ૧૫૦ કરોડથી વધુનો સટ્ટો રમાશે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર મહાનગરપાલિકાની ૫૭૬ બેઠકો ઉપર હાલ ચૂંટણી લડાઈ રહી છે. દરેક શહેરમાં ક્યા પક્ષને કેટલી સીટો મળશે તેના બુકીઓએ ભાવો ખોલી નાખ્યા છે. ચૂંટણી બાદ આ ભાવોમાં થોડી-ઘણી વધઘટ થતી હોય છે.