Get The App

સિંચાઇ ટાણે જ વીજ પોલ તોડી નાખતા 90 થી વધુ ખેડૂતોને હાલાકી

Updated: Jun 9th, 2025

GS TEAM


Google News
Google News
સિંચાઇ ટાણે જ વીજ પોલ તોડી નાખતા 90 થી વધુ ખેડૂતોને હાલાકી 1 - image


- સાયલાના ડોળીયા ગામના માથાભારે શખ્સનો આતંક

- વીજ પોલ નહીં નાખવા દેતા ખેડૂતોની પીજીવીસીએલ કચેરી અને પોલીસ સ્ટેશનમાં રજૂઆત

સાયલા : સાયલાના ડોળીયા ગામના માથાભારે શખ્સે સિંચાઇ ટાણે જ વીજ પોલ તોડી નાખતા ૯૦થી વધુ ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. માથાભારે શખ્સે વીજ પોલ નહીં નાખવા દેતા ખેડૂતોએ પીજીવીસીએલ કચેરી અને પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી હતી.

સાયલા તાલુકાના ડોળીયા ગામના દિગુભા નામના શખ્સે વીજ પોલ તોડી નાખતા  ઢેઢુકી એજી ફીડરમાં આવતા સીમ વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી વીજ પુરવઠો ખોરવાયો છે. એટલું જ નહીં માથાભારે શખ્સે વીજ પોલ તોડી નાખ્યા બાદ નવો પોલ નાખવા નહીં દેતા ૯૦ જેટલા ખેડૂત ગ્રાહકો વીજ પુરવઠાથી વંચિત રહ્યાં છે. હાલ પિયતની સિઝન છે, મોટાભાગના ખેડૂતોએ વાવેતર કરી નાખ્યું છે એવા ટાણે જ વીજ પુરવઠો નહીં મળતા ખેડૂતોને બિયર, ખાતર, મજુરી સહિતનો ખર્ચ માથે પડવાની નોબત આવી છે.

માથા ભારે શખ્સ સામે પગલા ભરવા અને વીજ પુરવઠો શરૂ કરવા ૯૦ જેટલા ખેડૂતો પીજીવીસીએલ કચેરી તેમજ પોલીસ મથકે રજૂઆત કરવા માટે દોડી આવ્યા હતા. આ બાબતે પીજીવીસીએલના નાયબ ઇજનેર દ્વારા સાયલા પોલીસને પણ ફરિયાદ નોંધવા લેખિતમાં અરજી આપવામાં આવી છે. માથાભારે શખ્સની હરકતથી વીજ તંત્રને ૩૫,૦૦૦નું નુકસાન થયું હોય અને અવારનવાર આવા માથાભારે લોકો દ્વારા આવા કૃત્ય કરવામાં આવે છે જેને લઇ તેમના સામે પોલીસ ફરિયાદ નોંધવા માટે જણાવ્યું છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ લેખિતમાં અરજી મળ્યા બાદ તાત્કાલિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સંપૂર્ણ  મામલો થાળે પાડી અને વીજ પોલ નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

Tags :