- ધ્રાંગધ્રા એપીએમસીમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ
ધ્રાંગધ્રા : રાજ્યભરમાં કમોસમી વરસાદથી થયેલ નુકસાન બાદ ખેડૂતો સહાય પેકેજની સાથે સાથે મગફળીની ટેકાના ભાવે ખરીદીની પણ રાહ જોઈ રહ્યા હતા ત્યારે રાજ્ય સરકાર દ્વારા ગત તારીખ ૦૯ નવેમ્બરથી મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે.
મુળી એપીએમસીમાં મગફળીની ખરીદીનો પ્રારંભ ૦૯મી તારીખે થયો હતો. જેના બીજે દિવસે એટલે કે તા.૧૦ નવેમ્બરના રોજ ધ્રાંગધ્રા એપીએમસીમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ધ્રાંગધ્રા એપીએમસીમાં હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ મુજબ શ્રીફળ વધેરી મગફળીની ખરીદી શરૂ કરવામા આવી હતી. ખરીદીના પ્રથમ દિવસે કુલ ૨૦ ખેડૂતોને મગફળી વેચાણ માટે માર્કેટિંગ યાર્ડ ખાતે બોલાવવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ દિવસે પ્રતિ મણ રૂ.૧૪૬૨ના ભાવે ખેડૂતો પાસેથી ૮૦૦ મણથી પણ વધુ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી. ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ, કોંઢ, વાવડી, રાજપર, સોલડી સહિતના અનેક ગામોના ખેડુતો મગફળી વેચવા એપીએમસી ખાતે આવ્યા હતા અને એકંદરે ટેકાના સારા ભાવ મળતા ખેડુતોમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી હતી.


