Gujarat

11 મહિનામાં 8 લાખથી વધુ પ્રાથમિક સુવિધાની ફરિયાદ, ગટર ઉભરાવા, પાણીમાં પોલ્યુશન સહિતની 4.57 લાખ ફરિયાદ

By GS TEAM
22 Dec 20252 mins read
11 મહિનામાં 8 લાખથી વધુ પ્રાથમિક સુવિધાની ફરિયાદ, ગટર ઉભરાવા, પાણીમાં પોલ્યુશન સહિતની 4.57 લાખ ફરિયાદ

અમદાવાદ,સોમવાર,22 ડિસેમ્બર,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો આ શહેરને લિવેબલ સીટી બનાવવાના બણગાં ફૂંકી રહયા છે.બીજી તરફ ૧૧ મહિનામા કોર્પોરેશન તરફથી પુરી પાડવામા આવતી પ્રાથમિક સુવિધાને લગતી કુલ ૮,૧૦,૫૬૧ ફરિયાદો શહેરીજનોએ ઓનલાઈન કરી હતી.ગટર ઉભરાવા, પાણીમાં પોલ્યુશન આવવા સહિત ઈજનેર વિભાગ હસ્તકની રોડ સંબંધિત કામગીરીની કુલ ૪,૫૭,૦૯૭ ફરિયાદ નોંધાઈ હતી.સીધો અર્થ એ છે કે કુલ ફરિયાદ પૈકી ૫૦ ટકા ફરિયાદ તો ઈજનેર વિભાગને લગતી કરવામા આવી હતી.મધ્યઝોનમાં કોર્પોરેશનના ઈજનેર વિભાગની ખાડે ગયેલી કામગીરીના કારણે કુલ ૧,૩૮,૯૨૨ ફરિયાદ પૈકી ૯૬૨૯૮ ફરિયાદ તો ઈજનેર વિભાગની જ નોંધાઈ છે.

કોમનવેલ્થ ગેમ્સ-૨૦૩૦ના આયોજનના ભાગરુપે કરોડો રુપિયાના આયોજનોની જાહેરાત શાસકો દ્વારા કરવામા આવી રહી છે.જયારે વાસ્તવિકતા એ છે કે, શહેરીજનોને નળ,ગટર,રસ્તા સહિતની જે પ્રાથમિક સુવિધા સારી રીતે મળવી જોઈએ એ પુરી પાડવામાં કોર્પોરેશન તંત્રના વિવિધ વિભાગો સદંતર નિષ્ફળ નિવડયા છે.આમ છતાં ટર્મ પુરી થઈ રહી હોવાથી શાસકપક્ષને વાહવાહ થાય એ પ્રકારના આયોજનો અને કાર્યક્રમમા જ રસ છે.કોર્પોરેશન તરફથી પુરી પાડવામા આવતી પ્રાથમિક સુવિધાની સાથે એર કવોલીટીનો એક નવો વિષય સામે આવ્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારમા રહેતા નાગરિકોએ એર કવોલીટીને લઈ કુલ ૧૭૨ ફરિયાદ નોંધાઈ છે. પ્રદૂષિત વાતાવરણથી લોકો ત્રસ્ત બની ગયા છે.

ઝોન મુજબ કયાં-કેટલી ફરિયાદ

ઝોન    કુલ ફરિયાદ    ઈજનેર વિભાગની

મધ્ય   ૧,૩૮,૯૨૨     ૯૬૨૯૮

પૂર્વ    ૯૧,૩૫૯       ૪૭૨૬૫

ઉત્તર   ૧,૫૩,૪૯૮     ૯૯૮૯૦

ઉ.પ.   ૭૧,૨૫૦       ૨૯૬૯૪

દક્ષિણ  ૧,૪૦,૬૭૨     ૭૭૪૬૬

પશ્ચિમ  ૧,૬૧,૫૪૦     ૮૦૫૪૩

દ.પ.   ૫૩૦૫૦       ૨૩૯૪૧

કયા વિભાગની કેટલી ફરિયાદ

વિભાગ          ફરિયાદ

એરકવોલીટી    ૧૭૨

ઢોરત્રાસ       ૧૭૭૦૭

એસ્ટેટ        ૧૦૯૬૭

ગાર્ડન       ૬૭૨૬૩

ટ્રાફિક         ૧૫૯૭

સોલીડવેસ્ટ  ૭૪૭૯૭

ટેકસ     ૨૪૦૭

કોટ વિસ્તારના રહીશો સૌથી વધુ ત્રસ્ત

ઈજનેર વિભાગની ખાડે ગયેલી કામગીરીના કારણે કોટ વિસ્તારના રહીશો સૌથી વધુ ત્રસ્ત છે.અલગ અલગ વોર્ડમાંથી ઈજનેર વિભાગને લગતી કરવામા આવેલી ફરિયાદોની વિગત આ મુજબ છે.

વોર્ડ    ઈજનેર વિભાગની ફરિયાદ

ખાડીયા   ૨૧૧૪૦

અસારવા  ૧૮૪૯૧

દરિયાપુર  ૧૫૬૯૦

જમાલપુર ૧૬૩૬૧

શાહપુર  ૧૩૬૦૪

શાહીબાગ ૧૩૦૦૫