ધોળાવીરામાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ : આકાશમાં અનેરૂ આકર્ષણ જમાવ્યું
પવનની ગતિ હોતા કાઈટિસ્ટોની પતંગ ઉડાડવાની મજા બમણી થઈ
આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ દરમિયાન અલગેરિયા, આર્જન્ટિના, ચિલી, કોસ્ટારિકા, ફ્રાન્સ, ગ્રીસ, ઈન્ડોનેશિયા, આર્યલેન્ડ, જોર્ડન, રશિયા, મલેશિયા, ફિલિપાઇન્સ, ટયુનિશિયા, વિયેતનામ અને યુ.કે સહિતના ૧૭ દેશના આંતરરાષ્ટ્રીય કાઈટિસ્ટ તેમજ દિલ્હી, કેરલ, લક્ષદીપ, મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ સહિત ૭ રાજ્યો- સંઘ પ્રદેશોના કાઈટિસ્ટ અને કચ્છ જિલ્લાના કાઈટિસ્ટોએ અવનવી ડિઝાઇનની પતંગો સાથે ધોળાવીરાના આકાશમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું.
ભાંજડા દાદાના ડુંગરે યોજાયેલા આ પતંગોત્સવ વખતે પવનની ગતિ સારી હોવાને કારણે પતંગ ઉડાડવાની મજા બમણી થઈ હતી. પ્રાકૃતિક નજારાઓ વચ્ચે પતંગબાજોએ પોતાની કળા પ્રદર્શિત કરી હતી. કચ્છની ધરતી, ખુલ્લું આકાશ અને આસપાસ ફેલાયેલા ઐતિહાસિક અને પ્રાકૃતિક દ્રશ્યો વચ્ચે પતંગબાજીનો આ અનુભવ યાદગાર બની રહ્યો હતો.
શાળાના વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ તથા ગ્રામજનો સહિત ઉપસ્થિત સૌએ પતંગોત્સવની મજા માણી હતી.કચ્છી સંસ્કૃતિને ઉજાગર કરતી ડાન્સની પ્રસ્તુતિને વિદેશી કાઈટિસ્ટ સહિત મહાનુભાવોએ બિરદાવી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા તેમજ કચ્છ જિલ્લાના નિવાસી અધિક કલેકટર સહિત સ્થાનિક આગેવાનો, અધિકારીઓ, કર્મચારીઓ, તેમજ શાળાના વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


