Get The App

સુરેન્દ્રનગરમાં ઈ-ગ્રામ હેઠળ કાર્યરત 60 થી વધુ કર્મચારીને છુટા કરાયા

Updated: Jan 24th, 2026

GS TEAM

Google News
Google News
સુરેન્દ્રનગરમાં ઈ-ગ્રામ હેઠળ કાર્યરત 60 થી વધુ કર્મચારીને છુટા કરાયા 1 - image

- 18 વર્ષની સેવા બાદ કર્મચારીઓ બેરોજગાર

- જિલ્લા પંચાયત કચેરીમાં કર્મચારીઓએ આવેદનપત્ર પાઠવી પુનઃનિયુક્તિની માગ કરી

સુરેન્દ્રનગર : સરકાર દ્વારા ઈ-ગ્રામ વિશ્વ ગ્રામ યોજના અંતર્ગત ફરજ બજાવતા કર્મચારીઓને છૂટા કરવાના નિર્ણય સામે સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે છૂટા કરાયેલા કર્મચારીઓએ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત કચેરી ખાતે રજૂઆત કરી હતી. 

કર્મચારીઓએ જિલ્લા વિકાસ અધિકારી, સ્થાનિક ધારાસભ્ય તથા લોકસભાના સાંસદને પણ લેખિત આવેદનપત્ર આપીને ન્યાયની માંગ કરી હતી. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ વર્ષ ૨૦૦૭થી એટલે કે છેલ્લા ૧૮ વર્ષથી ઈ-ગ્રામ વિશ્વ ગ્રામ યોજના હેઠળ રાજ્યભરમાં ફરજ બજાવતા ૧૫૦૦થી વધુ કર્મચારીઓને કોઇ પૂર્વ સૂચના વિના નોકરીમાંથી દૂર કરવામાં આવ્યા છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના અંદાજે ૬૦થી વધુ કર્મચારીઓનો સમાવેશ થાય છે. અચાનક રોજગાર છીનવાતા કર્મચારીઓ અને તેમના પરિવારો સામે ગંભીર હાલાકી ઊભી થઈ છે.

કર્મચારીઓએ જણાવ્યું હતું કે તેઓ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ચૂંટણી, પંચાયત, વહિવટ તથા મહેકમ શાખા સહિતના વિભાગોમાં કામગીરી કરતા હતા. તેમ છતાં છૂટા કરવામાં આવતા અસંતોષ ફેલાયો છે. આથી સરકાર કર્મચારીઓના હિતને ધ્યાનમાં રાખી તાત્કાલિક નિર્ણય પરત ખેંચી તમામ કર્મચારીઓને નોકરીમાં પરત લે તેવી માંગ કરવામાં આવી છે.