- મહાયાત્રા દરમિયાન ચોમેર જય જય આદિનાથનો નાદ ગૂંજયો
- સિધ્ધવડમાં દેશભરના જૈન સંઘના 88 થી વધુ પાલભકિતના મંડપ ઉભા કરાયા, એસ.ટી. તંત્ર દ્વારા વિશેષ ટ્રીપ
જયાં કાંકરે કાંકરે અનંત આત્માઓ મોક્ષ પામ્યા છે તેવા શાશ્વત ગીરીરાજ શેત્રુંજયની આજની આ છ ગાઉની યાત્રામાં દેશ વિદેશમાંથી અંદાજે ૫૦ હજારથી વધુ આબાલવૃધ્ધ શ્રાવક,શ્રાવિકાઓ, સાધુ ભગવંતો તેમજ સાધ્વીજી ભગવંતો વગેરેેએ બહોળી સંખ્યામાં જોડાઈને પુણ્યનું ભાથુ બાંધ્યુ હતુ. સિદ્ધવડ ખાતે પાલમાં એક લાખ કરતા વધુ યાત્રિકો અને સ્થાનિકો આવ્યા હતા. છ ગાઉની યાત્રાની શરૂઆત શેત્રુંજય તીર્થની તળેટીએથી શરૂ થઇ હતી અને સિદ્ધવડ ખાતે પૂર્ણ થઈ જયા દર્શન-ચૈત્યવંદન કર્યા હતા.પાલભકિતના મંડપના પ્રવેશ દ્વાર નજીક દરેક યાત્રિકોના જમણા પગનો અંગુઠો દૂધ અને પાણીથી ધોઈ, કુમકુમનું તિલક કરી સંઘ પૂજન કરવામાં આવ્યુ હતુ.આ વખતે ૪૭ પાલમાં ૮૦ થી વધુ સંઘપૂજન કરાયા હતા. આ સ્થળે આ વર્ષે દેશભરના જૈન સંઘના ૯૮ વધુ પાલ ભકિતના મંડપની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં સીઝનલ ફ્રુટથી લઈને અનેક ખાદ્ય વાનગીઓ પીરસવામાં આવી હતી. જયારે ભાવનગર શહેરમાં ફાગણ સુદ તેરસના પર્વે નવીન હાઉસ, કરચલીયાપરા જૈન સંઘ સહિતના વિવિધ વિભાગોમાં પરંપરાગત રીતે શેત્રુંજય ભાવયાત્રા અને પાલભકિત કરાઈ હતી.
કચ્છી સમાજે શનિવારે મહાયાત્રા કરી
અચલગચ્છના કચ્છી સમાજ દ્વારા શનિવારે પરંપરાગત રીતે ફાગણ સુદ તેરસની મહાયાત્રા કરી હતી. તેઓ માટે સિધ્ધવડ ખાતે એક પાલની વ્યવસ્થા કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ આ વર્ષે કચ્છી સમાજના અંદાજે ચારેક હજાર જેટલા શ્રાવક શ્રાવિકાઓએ ભાવ અને ભકિતમય માહોલમાં શેત્રુંજયની મહાયાત્રા કરી હતી.
તપસ્વીઓ માટે ઉકાળેલા પાણીનો પણ પ્રબંધ કરાયો
પાલિતાણાના સિધ્ધવડ ખાતે તપસ્વીઓ માટે એકાસણા, બિયાસણા અને આયંબીલની વ્યવસ્થા તેમજ શેત્રુંજય પર્વતથી આદપુર પાલ સૂધી ઠેર-ઠેર ઉકાળેલા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી.આ ઉપરાંત સારવાર કેન્દ્ર દ્વારા અનેક જરૂરીયાતમંદ યાત્રિકોને મેડીકલ ટ્રીટમેન્ટ પણ અપાઈ હતી. તેમજ આકસ્મિક સંજોગોને પહોચી વળવા માટે ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની વ્યવસ્થા પણ તંત્રવાહકો દ્વારા કરવામાં આવી છે.


