સવારે એરપોર્ટ ગેટ પાસે ૫૦થી વધુ રિકશાનો જમાવડો થયો
રિકશાને એન્ટ્રી આપવામાં ન આવતા

વડોદરા : વડોદરા એરપોર્ટ પર પાર્કિંગનો નવો કોન્ટ્રાક્ટ મુંબઇની કંપનીને સોંપવામાં આવ્યા બાદ આજે સવારથી જ એરપોર્ટમાં રિકશાના પ્રવેશ પર પ્રતિબંધ લાગુ કરવામાં આવતા સવારે એરપોર્ટ ગેટ પર ૫૦થી વધુ રિકશાનો જમાવડો થઇ ગયો હતો. બનાવની જાણ થતાં યુનિયનના આગેવાનો એરપોર્ટ પર આવ્યા હતા જો કે, આજે રવિવાર હોવાથી કોઇ અધિકારી સમક્ષ તેઓ રજૂઆત કરી શક્યા ન હતા.
ઉલ્લેખનીય છે કે, વડોદરા એરપોર્ટ પર વાહન પાર્કિંગનો કોન્ટ્રાક્ટ
માસિક રૃા.૪.૫૦ લાખથી મુંબઇની કંપનીને
આપવામાં આવ્યા બાદ આજેથી નવા કોન્ટ્રાક્ટરે પાર્કિંગની કામગીરી શરુ કરી હતી અને
રિકશાને એરપોર્ટમાં પ્રવેશ આપવાનું બંધ કર્યું હતું. વડોદરા એરપોર્ટ પર તમામ વાહન
માટે આઠ મિનિટનું પાર્કિંગ ફ્રી છે એટલે અત્યાર સુધી ફ્લાઇટ આવવાના સમયે
પેસેન્જરને લેવા માટે રિકશા ચાલકો એરપોર્ટ લોન્જ સુધી જઇ શકતા હતા.
નવા કોન્ટ્રાક્ટમાં રિકશા બાબતે સ્પષ્ટતા કરવામાં આવી ન હોવાથી
આજથી જ રિકશાને પ્રવેશ આપવાનું બંધ કરાયું છે. એક રિકશા ચાલકને તો કોન્ટ્રાક્ટરના
કર્મચારીેએ રૃા.૫૫ની ટિકિટ આપીને પૈસા વસુલ કર્યા હતા. રિકશા ચાલક યુનિયનના
હોદ્દાદારોએ જણાવ્યું હતું કે, આ નિર્ણય યોગ્ય નથી. આ અંગે એરપોર્ટ ઓથોરિટી
સમક્ષ રજૂઆત કરવામાં આવશે. જ્યારે એરપોર્ટના સૂત્રોએ રિકશા બાબતે આગામી દિવસોમાં
નિર્યણ લેવામાં આવેશે તેમ જણાવ્યું હતું.

