ઉત્તરાયણનો આનંદ પણ અરેરાટીમાં પરિણમ્યો : 'કાઈપો છે..'ના ઉન્માદમાં મોટાભાગના લોકોનું ગળું કપાયું : સૌથી વધુ રાજકોટ અને જામનગરમાં બાળકો-મહિલાઓ સહિત 46 લોકો ઈજાગ્રસ્ત
રાજકોટ, : સૌરાષ્ટ્રમાં ગઈકાલે મકર સંક્રાંતિના પર્વની પતંગરસીયાઓએ ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી, પરંતુ તે પતંગના દોરાના કારણે 50થી વધુ વ્યક્તિઓ પર જીવનું જોખમ આવી પડયું હતું. પતંગના તિક્ષ્ણ દોરાથી રસ્તા જતાં વાહનચાલકો લોહીલુહાણ થયા હતા અને ઉત્તરાયણનો આનંદ પણ અરેરાટીમાં પરિણમ્યો હતો. 'કાઈપો છે..'ના ઉન્માદમાં મોટાભાગના લોકોના ગળા કપાયા હતા. સૌથી વધુ રાજકોટ અને જામનગરમાં બાળકો-મહિલાઓ સહિત ૪૬ જેટલા લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા.
રાજકોટ અને જામનગરમાં ગઈકાલે સવારથી સાંજ સુધીમાં પતંગ ઉડાડતી વખતે અગાસી કે પગથિયા પરથી પટકાવી સિવાય પતંગના તિક્ષ્ણ દોરાના કારણે અનેક વાહનચાલકો ઈજાગ્રસ્ત બન્યા હતા. જેમાં બાઈક-સ્કૂટર પર જતાં બાળકો અને મહિલાનો પણ સમાવેશ થાય છે. રાજકોટમાં પતંગના દોરાથી ઈજા થવા કે તેના કારણે વાહન સ્લિપ થવાથી ઘાયલ થવા જેવા ૨૩ જેટલા કેસ આવ્યા હતા, જેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લવાયા હતા. જામનગરમાં પણ ૨૩ જેટલા લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા, જેમને જી.જી. હોસ્પિટલમાં લવાયા બાદ પાટાપીંડી કરીને ૨૧ વ્યક્તિને રજા આપી દેવામાં આવી હતી. જો કે, નવા ફ્લાય ઓવર બ્રિજ અને આંબેડકર બ્રિજ પરથી પસાર થતી વખતે બે યુવાનોનું ગળું કપાતા જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પોરબંદરમાં જ્યુબેલી વિસ્તારના મહિલા, છાંયા વિસ્તારના સ્કૂટરચાલક અને રોકડિયા મંદિર નજીક રહેતા યુવાનને ગળામાં પતંગની દોરી ફસાઈ જતાં ઈજા થવાથી સારવાર માટે સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા. જ્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ખાદી કાર્યાલય વિસ્તારમાં રહેતા પ્રોઢ ગાયોને ઘાસચારો નાખીને ઘરે જતા હતા ત્યારે પતંગની દોરીથી ગળામાં ગંભીર ઈજા થતાં સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાતા તબીબોએ 7 ટાંકા લઈને લોહી વહેતું બંધ કરી જીવ બચાવ્યો હતો.


