સુરત પાલિકામાં ફરજ દરમિયાન મૃત્યુ પામેલા કે અનફીટ થયેલા 45 થી વધુને આશ્રિત નોકરી નથી મળી

Surat Corporation : સુરત મહાનગરપાલિકામાં ચાલુ ફરજે મૃત્યુ પામનારા કર્મચારીના વારસદારને લાંબા સમયથી આશ્રિત તરીકે નોકરી મળતી નથી પણ ચાલુ ટર્મમાં અવસાન પામેલા કોર્પોરેટરોના વારસદારોને ઝડપથી પાલિકામાં નોકરી મળે છે. પાલિકામાં આશ્રિતની નોકરી માટે રાજકારણીઓ અને કર્મચારીઓ માટે જુદા નિયમો હોવાનું જણાવી મૃતકના આશ્રિતોને નોકરી આપવા માટેની માંગણી કરવામાં આવી છે.
સુરત પાલિકા દ્વારા પાલિકામાં ચાલુ ફરજે મૃત્યુ પામનારા કે અનફીટ થયેલા કર્મચારીના વારસદારને આશ્રિત તરીકે નોકરી માટે ઠરાવ કરવામાં આવ્યો છે. પરંતુ છેલ્લા 3 વર્ષથી આશ્રિત તરીકે નોકરી આપવામાં આવતી નથી તેથી આવા પરિવારજનોને મુશ્કેલી પડી રહી છે. તો બીજી તરફ આ ટર્મમાં પાલિકાના કોર્પોરેટર ગેમર દેસાઈનું અવસાન થયું હતું તો થોડા જ સમયમાં તેમના પુત્રને પાલિકામાં આશ્રિત તરીકે નોકરી આપી હતી. આવી જ રીતે કોર્પોરેટર જયેશ જરીવાલાના અવસાન બાદ પણ તેમની પુત્રીને નોકરી આપવામાં આવી છે. તો રાજકાણીઓ અને કર્મચારીઓ માટે આશ્રિત નોકરી માં ભેદભાવ શા માટે આવું કહીને આજે પાલિકામાં આશ્રિતોને નોકરી મળે તે માટે રજૂઆત કરવામાં આવી હતી.

