Gujarat

ખેડાની 400થી વધુ મંડળીઓ દ્વારા 8051 લિટર દૂધનું દાન

By GS TEAM
19 Dec 20251 min read
ખેડાની 400થી વધુ મંડળીઓ દ્વારા 8051 લિટર દૂધનું દાન

કુપોષિત બાળકોને સુપોષિત બનાવવાના હેતુથી અભિયાન 

3 હજારથી વધુ બાળકોને પોષણનો લાભ મળ્યો, ખેડા, કપડવંજ અને મહુધા તાલુકાને પણ જોડાશે 

નડિયાદ: ખેડા જિલ્લામાં કુપોષિત બાળકોને સુપોષિત બનાવવાના હેતુ સાથે આર્શીવાદ પાત્ર દૂધ અર્પણ કરવાના અભિયાનમાં ૪૦૦ મંડળીઓ જોડાઇ છે. જેમાં અત્યાર સુધીમાં ૮,૫૫૧ લિટર દૂધનું દાન કરાયું છે. જેના પરિણામે ૩ હજારથી વધુ બાળકોને પોષણનો લાભ મળ્યો છે.  જિલ્લામાં તા. ૧૪ નવેમ્બરથી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગામોના પશુપાલકો ડેરી પર દૂધ જમા કરવા આવે છે. ત્યારે તેઓની ઇચ્છા મુજબ ૫૦ કે ૧૦૦ મીલી અથવા વધુ દૂધ આર્શીવાદ પાત્ર અર્પણ કરે છે. આ રીતે એકત્રિત થયેલું દૂધ સીધુ આંગણવાડી કેન્દ્રો મારફતે કુપોષિત બાળકો સુધી પહોંચાડવામાં આવે છે. 

જેમાં માતર, નડિયાદ, વસો, મહેમદાવાદ, કઠલાલ, ગળતેશ્વર અને ઠાસરા તાલુકાની દૂધ મંડળીઓ અભિયાનમાં જોડાઇ છે. ગ્રામ્ય કક્ષાએ સરપંચ, તલાટી અને શિક્ષકો તેમજ ૨૫ હજારથી વધુ કર્મયોગીઓ પોષણ મિત્ર બની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યાં છે. જોકે, આગામી સમયમાં ખેડા, કપડવંજ અને મહુધા તાલુકાને પણ આ અભિયાનમાં આવરી લેવાશે.