અમદાવાદ,ગુરુવાર,15
જાન્યુ,2026
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વના બે દિવસ દરમિયાન બર્ડ રેસ્કયૂના
૪૦થી વધુ કોલ ફાયર વિભાગને મળ્યા હતા.નિકોલ વિસ્તારમાં મોબાઈલ ટાવર ઉપર સમડી ફસાઈ
હોવાની સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરાઈ હતી. ફાયર વિભાગ દ્વારા હાઈડ્રોલિક ક્રેનની
મદદથી પતંગની દોરીમાં ફસાઈ ગયેલી સમડીને બચાવી લીધી હતી.શહેરના મણિનગર, ગોમતીપુર સહિત
અનેક વિસ્તારમાં વૃક્ષ ઉપર ફસાયેલા પક્ષીઓને ફાયર વિભાગ દ્વારા બચાવાયા હતા.
દર વર્ષે અમદાવાદમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીના
કારણે પશુ-પક્ષીઓ ઘાયલ થતા હોય છે.ગુરુવારે નિકોલ વિસ્તારમાં દાસ ખમણ રોડ ઉપર
મોબાઈલ ટાવરની ઉપર પતંગની દોરીમાં સમડી ફસાઈ ગઈ હતી.સમડીનો જીવ બચાવવા ફાયર
વિભાગની મદદ લેવામા આવી હતી.ફાયરના જવાનો દ્વારા સમડીને સલામત બચાવી લેવાતા હાજર
લોકોએ ફાયરના જવાનોનો આભાર વ્યકત કર્યો હતો.અમદાવાદ ફાયર વિભાગને ગત વર્ષે
જાન્યુઆરી-૨૫માં માત્ર એક મહિનામાં બર્ડ રેસ્કયૂના ૬૮૧ કોલ મળ્યા હતા.આ વર્ષે
કોલની સંખ્યા વધી શકે એમ છે.
શહેરના વિવિધ રોડ ઉપરથી નકામા પતંગ-દોરી દુર કરાયા
કોર્પોરેશનના સી.એન.સી.ડી.વિભાગ દ્વારા ઉત્તરાયણના પર્વની
ઉજવણી પછી શહેરના બોપલ,સરદારનગર, સાબરમતી, ખાડીયા,મણીનગર તેમજ નહેરુબ્રિજ,દરિયાપુર, શાહપુર, ઓઢવ, વસ્ત્રાલ વોર્ડના
અલગ અલગ રોડ ઉપરથી અકસ્માત નિવારવા તથા મનુષ્ય,પશુ-પક્ષીને હાનિકર્તા નકામા પતંગ અને દોરી દુર કરાયા હતા.


